કરચલાએ કહ્યું:–“ત્યારે ચાલો, પાછા સરોવર જઈએ, મ્હારા જાતિ ભાઈઓ ક્યાં છે, તે હું ત્હમને બતાવું.” બગલો પાછો ફર્યો, અને ઝટ સરોવર આગળ આવી પહોંચ્યો. ત્યારે લાગ જોઈને કરચલો બોલ્યો:–“મામા ! આ રહ્યા મ્હારા જાતિભાઇઓ સરોવરને તળીયે” એમ કહીને ત્હેણે પોતાના અણીદાર નખ વડે તે બગલાની કોમળ ડોક કાપી નાંખી. બગલો મરણ પામ્યો; અને કરચલો નીચે પાણીમાં પડ્યો.
સાર:–આમ સમયસૂચકતા રાખવાથી કરચલો જીવતો રહ્યો.
કોઇએક જંગલમાં ભાસુરક નામે સિંહ રહેતો હતો. તે ઘણો બળવાન હતો. રોજ ઘણાં જાનવરોના જીવ લીધા વગર તે જંપતો નહિ. તે ઉપરથી બધાં જનાવરો ભેગાં મળીને એની પાસે જઇને કહેવા લાગ્યાં:–“અમે દરરોજ એક્કેક જનાવર ત્હમને મોકલી આપીશું.”
સિંહે તે વાત કબૂલ રાખી.
આખરે એક વખત એક શશલાંનો વારો આવ્યો. તે ઘણો ચાલાક તથા બુદ્ધિશાળી હતો. જાણી જોઈને તે એની પાસે બહુ મોડો ગયો. સિંહ ભૂખના દુઃખથી બ્હેબાકળો થઈ ગયા હતો, શશલાંને આવતો જોઇને તે એકદમ ક્રોધ કરીને કહેવા લાગ્યો:–“હરામખોર ! તું આટલો બધો મોડો કેમ આવ્યો ? આજે ત્હને મારીશ અને તે સાથે જંગલનાં બીજા બધાં જનાવરોને પણ મારી નાંખીશ.”