પડઘો પડ્યો. બમણા જોરથી સામી ગર્જના થઈ. સિંહે જાણ્યું કે આ મ્હારી સામું જ ગર્જના કરે છે. તેથી એણે ખીજવાઈને એકદમ તે કૂવાની અંદર છલંગ મારી. પાણીમાં પડ્યો અને મરી ગયો. શશલાંની આ ચાલાકીને માટે બધાં પશુઓએ ત્હેને શાબાશી આપી.
સાર:–શશલાંએ પણ અક્કલ વાપરીને સમયસૂચકતાથી પોતાનો જીવ બચાવ્યો.
મગરૂર બનવામાં સાર નથી. શેરને માથે સવાશેર હંમેશાં હોયછેજ. સામા માણસની સત્તાનો ખ્યાલ પહેલો કરવો જોઇએ. બળીયા સાથે બાથ ભીડવી એ બેવકૂફ માણસનું લક્ષણ છે. રાજા કેન્યુટે સમુદ્રની સત્તા સ્વીકારી ન્હોતી. સમુદ્રનાં મોજાં આવતાં રહેતાં હતાં, તે વખતે સમુદ્ર કિનારે એ પોતાની ખુરશી નંખાવીને બેસી રહ્યો હતો. આખરે હેરાન થઈને એને તે જગ્યાએથી ઉઠી જવું પડ્યું હતું. એવીજ સ્થિતિ એક ટીટોડા અને ટીટોડીની થઈ હતી. તેઓ દરિઆ કિનારે રહેતાં હતાં.
ટીટોડીએ પોતાના ધણીને પૂછ્યું:–“આપણે આપણો માળો કોઈ જગ્યાએ બાંધીશું?”
ટીટોડો બોલ્યો:–“ક્યાં તે વળી અહીંજ દરિયા કિનારા પર.”
ટીટોડી બોલી:–“આ તો દરીયાની બહુ પાસે છે. દરિયાનાં મોજાંથી આપણો માળો ઘસડાઇ જશે.”