ટીટોડાએ કહ્યું:–“દરિઆના શા ભાર કે આપણો માળો ઘસડી જાય ? આપણે ખુબીથી માળો બાંધીશું દરિઆની મગદૂર નથી કે તેમાં પ્રવેશ કરી શકે.”
એથી ટીટોડાએ મમત કરીને દરિયા પાસેની ઝાડીમાં પોતાનો માળો બાંધ્યો. થોડીવારમાં તોફાની પવન ફુંકાવા લાગ્યો. દરિયાનાં મોજાં ખુબ જોસથી ઉછળવા લાગ્યાં. આખરે જોસબંધ છાલકો આવવાથી, તેમનો માળો પાણીમાં ઘસડાઇ ગયો.
ટીટોડી બોલી ઉંડી:–“લેતા જાઓ ! જોયું ? બળીયાના બળનો ખ્યાલ નહિ કરવાનું પરિણામ ?”
સાર:–“હિત કહ્યું સૂણે ન કાંઇ તે બધિર સરખો જાણવો,
સારૂં માઠું ન સમજતાને પશુ સમજી કાઢવો.”
કોઇ એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી. દેખાવમાં તે એકસરખીજ દીસતી હતી. પણ ત્રણેના રસ્તા ન્યારા હતા. સ્વભાવમાં તેઓ એકબીજાથી બહુ જુદી પડતી હતી.
પહેલી માછલી ઘણી ઉદ્યોગી હતી. તે આખા તળાવમાં બધે ફરી વળતી. તળાવમાં કયે ઠેકાણે શું આવ્યું છે તેની એ ઉદ્યોગી માછલીને ખબર રહેતી, તે ઘણીજ ચાલાક અને લાંબી પહોંચવાળી માછલી હતી. તે હંમેશાં પાણી પહેલાં પાળ બાંધતી. ફ્કત વિચાર કરીને બેસી રહેતી નહિ. પણ ઝટ તેને અમલમાં મૂકતી.