પહેલા નંબરની માછલીએ ગુસ્સે થઇને કહ્યું:–“વાત શી કરે છે? હાથે કરીને મરવું છે? હું તો મ્હારે આ ચાલી.” એમ કહીને તે ત્યાં આગળથી તરતાં તરતી બીજા તળાવમાં જતી રહી. એવામાં એકાએક ત્યાં આગળ સૂર્યનું અજવાળું થયું. માછી આવી પહોંચ્યા. તેમનાં પગલાંનો અવાજ સાંભળીને બીજા નંબરની માછલી પણ ગભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે “હવે મારે પણ જવું જોઈએ.” તે એકદમ જીવ લઈને નાઠી, ને પાસેના તળાવમાં સહીસલામત પહોંચી ગઈ.
ત્રીજા નંબરની માછલી તો સુસ્ત થઈને પડીજ રહી હતી. ત્હેણે વિચાર કર્યો કે “માછીને એકવાર જાળ તો નાંખવા દે; પણ જાળ બાળ કોઈ નાંખવાનું નથી. એ તો ખોટી વાત.” એમ ધારીને તે ત્યાંની ત્યાંજ પડી રહી. એવામાં માછીઓએ ઓચીંતી જાળ નાંખી અને બીજાં માંછલાંઓ ભેગી તે પણ પકડાઈ ગઈ અને મરણ પામી. પહેલા અને બીજા નંબરની માછલીઓને કશી ઈજા થઇ નહિ.
સાર:–ઉદ્યોગીનુ નશીબ પણ ઉદ્યોગી રહે છે; અને આળસુનું નસીબ આળસુજ થઈ રહે છે. કહેવત છે કે જેવું વાવીએ તેવું લણીએ અને કરીએ તેવું પામીએ.
એક વખત રાતના વાંદરાઓનુ ટાળું ઝાડપર બેઠું હતું. ટાઢને લીધે વાંદરાઓ સખ્ત ધ્રૂજતા હતા. એવામાં તેમણે જમીનપર કાંઈક ચળકતું દીઠું. તે કહેવા લાગ્યા:–“ત્યાં દેવતા જણાય છે. ચાલો આપણે ત્યાં જઈને તાપણી કરીએ.”