દક્ષિણ દેશમાં ગોદાવરી નદીની પાસે એક વડનું ઝાડ હતું. તેના ઉપર એક લઘુપતનક નામનો કાગડો રહેતો હતો. એક દિવસ એક પારધી તે કાગડાની નજરે પડ્યો. તે યમના દૂત જેવો ભયંકર જણાતો હતો.
લઘુપતનકને બહુ બ્હીક લાગી. તે વિચાર કરવા લાગ્યો:“હવે આ દુષ્ટ કોણ જાણે શું કરશે ? લાવ એકવાર તપાસ કરૂં.” તે દિવસે લઘુપતનક ઝાડમાંજ ભરાઇ રહ્યો. ખોરાકની શોધમાં બહાર નીકળ્યો નહિ. પારધીએ થોડીવારમાં જાળ પાથરી. જાળની નીચે ત્હેણે થોડાક ચોખાના દાણા પણ વેર્યા. પછી તે ઝાડીમાં સંતાઇ ગયો.
તે વખતે કબૂતરોનો રાજા, ચિત્રગ્રીત્ર, આકાશમાં મુસાફરી કરતો હતો. તેની સાથે બીજાં કબૂતરો પણ હતાં. તેઓ બધાં પારધીએ પાથરેલી જાળની પાસેના એક ઝાડ ઉપર બેઠાં. ચિત્રગ્રીવે જમીન ઉપરના ચોખાના દાણા દીઠા. તે કહેવા લાગ્યો:-“આ દાણા અંહિ ક્યાંથી આવ્યા? નજીકમાં કોઇ માણસ હોવો જોઇએ. માટે એ દાણા ખાવામાં સાર નથી.”
તે સાંભળીને એક જુવાન મગરૂર કબૂતરે કહ્યું:–“આપણે ભય અને સંશયથી હમેશાંજ પાછા હઠીશું તો આપણને કાંઈ પણ ખોરાક નહિ મળે. આપણે નહિ ખાઈશું તો એ દાણા બીજાં પક્ષી ખાઇ જશે. તેથી મ્હારી સલાહ તો એવી છે કે આપણે જરૂર એ જગાએ જવું અને હાથમાં આવેલો ખોરાક ગુમાવવો નહિ.”