લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮

બીજાં કબૂતરોને પણ એ વાત ઠીક લાગી. તેઓ બધાંજ ખાવાની લાલચે તે જગ્યાએ ગયાં. જાળ પાસે જતાંવારને તેમાં સપડાઈ ગયાં.

ચિત્રગ્રીવે તેમને ઉડીને તે જગાએ જતાં દીઠાં. તે વિચાર કરવા લાગ્યો:–“કોઈએ મ્હારી વાત લક્ષમાં લીધી નહિ; અને આખરે બધાંજ સપડાઇ ગયાં. લાવ, હું જઈને એમને મદદ કરૂં.” એ વિચારથી એ પણ તે જગ્યાએ ઉડીને ગયો અને જાળમાં ફસાઈ ગયો.

પારધીએ પક્ષીને જાળમાં સપડાએલાં દીઠાં. તેથી તે પાસે આવી પહોંચ્યો. ત્યારે કબૂતરો બોલ્યાં:–“આપણે આ મગરૂર મૂર્ખા કબૂતરની વાત માનીને આખરે જાળમાં ફસાયાં.”

ચિત્રગ્રીવ બોલ્યો:–“હવે પસ્તાવો શા કામનો ? જે થવાનું હતું તે થઇ ગયું. હવે તો એમાંથી છુટવાનો ઉપાય શોધી કાઢવો જોઈએ.”

બીજાં કબૂતરોએ કહ્યું:–“તમે કહો તેમ કરીએ. અમને તો કાંઈ સૂઝતું નથી.”

ચિત્રગ્રીવ બોલ્યો:–“હું ઇશારત કરૂં એટલે આપણે બધાએ એકદમ ઉડવા માંડવું. આપણે જાળ સાથે ઉડી જઇશું.”

બધાં પક્ષીઓ તેમ કરવાને કબૂલ થયાં. ચિત્રગ્રીવે જેવી ઈશારત કીધી કે તરતજ તેઓ બધાં જાળ લઈને ઉડી ગયાં. પારધીએ તેમને ઉડી જતાં દીઠાં. આ બનાવ જોઈને એ તો વ્હીલોજ પડી ગયો હતો. એણે તેમને પકડવાની કોશીશ કીધી; પણ જોત જોતામાં તે કબૂતરો અદૃશ્ય ગઈ ગયાં

ચિત્રચીવ કબૂતરોનો એકલો રાજાજ ન હતો, પણ એ તેમનો સાચો મિત્ર હતો.