પકડવાને જાળ પાથરી. હરણ તેમાં ફસાઈ ગયું. હરણ પોતાના મન સ્ંગાથે વિચાર કરવા લાગ્યું:–“આ વખતે શિયાળ અહીયાં હોય તો કેવું સારૂં! એ આવીને પોતાના દાંતવતી મ્હારી જાળ કાતરી નાંખે અને મ્હને છુટો કરે.”
એવામાં શિયાળ અચાનક ત્યાં આવી પહોંચ્યું. ત્હેણે પોતાના મિત્રને જાળમાં સપડાએલો દીઠો છતાં કાંઈ કર્યું નહિ.
હરણે કહ્યું:–“ભાઈ ! આમ જોયાં શું કરે છે ? મિત્રએ એક બીજાને આફતમાંથી ઉગારવા જોઇએ. જોની હું આ જાળમાં ઝલાયો છું. તું મ્હારો મિત્ર થઇને મ્હને આ સંકટમાંથી નહિ છોડવે?”
શિયાળ બોલ્યો:–“તું ખરૂં કહે છે. મ્હારે ત્હારી જાળ મ્હારા દાંતવતી કરડી નાંખવી જોઇએ અને ત્હને છુટો કરવો જોઈએ. પણ શું કરૂં? આજે મ્હારે અપવાસનો દિવસ છે, તેથી લાચાર છું.” એમ કહીને તે પાછો હઠી ગયો અને પાછળ ઝાડીમાં સંતાઈ રહ્યો.
હરણના સાચા મિત્ર કાગડાએ ત્હેની બહુ વાટ જોઈ. છતાં તે આવ્યો નહિ ત્યારે તે અધીરો થઈને એને શોધવાને નીકળી પડ્યો. તે ઉડતો ઉડતો હરણ જ્યાં આગળ જાળમાં ફસાઈ પડ્યો હતો, તે જગાએ આવી પહોંચ્યો. હરણને આવી હાલતમાં જોતાંવારને તે બોલી ઉઠ્યો:–“મિત્ર ! કેમ આજે આ હાલ થયા છે ?”
હરણે જવાબ દીધો:–“ત્હારી શીખામણ માની નહિ તેનુ જ એ પરિણામ છે.”
“ક્યાં ગયો પેલો ત્હારો શિયાળમિત્ર?” કાગડાએ પૂછ્યું.