ત્યારપછી તે ઉંદર એની રજા લઇને પોતાના દરમાં જતો રહ્યો. તે કાગડો પણ ઉડીને પોતાના ઝાડ તરફ પાછો ફર્યો. તે દિવસથી એ બન્ને જણા જીવજાન દોસ્ત થયા.
એક દિવસ તે કાગડાએ પેલા ઊંદર રાજાને કહ્યું:–“ચાલો આપણે મન્થરકને ત્યાં જઈએ. તે મ્હારો મિત્ર છે. તે જાતે કાચબો છે અને એક તળાવમાં રહે છે. તે મને પુષ્કળ માછલી આપશે.” તેપરથી એ બન્ને જણા મન્થરકની પાસે ગયા.
કાગડાએ તે કાચબાને ઉંદર રાજ્યનું ઓળખાણ કરાવતાં કહ્યું:–“આ મ્હારો મિત્ર હિરણ્યક છે. એ ઘણો ભલો અને દયાળુ છે. એણે પારધીની જાળમાંથી કબૂતરોને છોડાવ્યાં હતાં. ત્યારથી મ્હેં એની સાથે દોસ્તી બાંધી છે.”
મન્થરક કાચબો બોલ્યો:–“હું તમને જોઈને ખુશ થયો છું. ભલા માણસોને બધા ચ્હાય છે. આનંદી અને ખુશમિજાજી હંમેશાં સુખી થાય છે. ટેકીલા અને પ્રમાણિક માણસો પણ સુખી થાય છે. માટે આપણે ત્રણે જણા સાથે રહીએ અને આનંદ કરીએ, એવી મ્હારી ઇચ્છા છે.”
લઘુપતનક કાગડાએ કહ્યું:–“ઓ મન્થરક ! તું ખરૂં કહે છે.” એમ કહીને તે પાસેના ઝાડ ઉપર ઉડી ગયો. ત્યાં જઇને ત્હેણે ચોગરદમ તપાસ કીધી. ત્હેને ભય જેવું લાગ્યું એટલે તે બોલી ઉઠ્યો:–“સમાલજો ! સમાલજો !” તે સાંભળીને મન્થરક ઝટ લઈને પાણીમાં પેસી ગયો. હિરણ્યક પોતાના દરમાં ભરાઈ ગયો, લઘુપતનક ઝાડ ઉપરજ બેસી રહ્યો.
તેવામાં એક હરણ જંગલમાંથી ત્યાં આગળ આવી પહોંચ્યું.