લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮

રહેવું અને મરી ગયાનો ડોળ કરવો. પછી લઘુપતનકે ઉડીને એનાપર બેસવું અને એની આંખમાં ચાંચ મારતો હોય તેમ કરવું. શિકારી ચિત્રાંગની પાસે જાય, ત્યારે હું મન્થરકના બંધ કાપી નાંખીશ. એટલે એ તરતજ પેસી જશે, ચિત્રાંગની પાસે શિકારી આવે તે પહેલાં એણે જીવ લઈને નાસી જવું.”

ચિત્રાંગ બોલ્યો:–“હું હમણાંજ જાઉં છું. મન્થરકે મ્હને છોડાવો હતો. તો હવે મ્હારે અને છોડાવવો જોઇએ. મિત્રો જો એકબીજાને મદદ કરતા રહે, તો આ દુનિયામાં કોઇ પ્રકારનું દુઃખ રહે નહિ.” એમ કહીને તે ઝટ શિકારીની આગળ દોડી ગયો. તળાવ આવ્યું ત્યારે મરી ગયાનો દેખાવ કરીને ત્યાં આગળ પડી રહ્યો.

એ યુક્તિ ફતેહમંદ નીવડી, શિકારીએ ચિત્રાંગને જોતાવારને મન્થરકને જમીનપર મુકી દીધો, પછી હિરણ્યકે તેના બંધ કાપી નાખ્યા એટલે કાચબો તળાવમાં પેસી ગયો. લઘુપતનકે ચિત્રાંગની આંખમાં ચાંચ મારતો હોય તેવો દેખાવ કર્યો. શિકારી જેવો પાસે આવ્યો, કે તેવો તરતજ તે ઉડી ગયો અને ચિત્રાંગ જીવ લઈને નાઠો, હિરણ્યક પાસેના દરમાં ભરાઈ ગયો. આ પ્રમાણે બધા મિત્રો બચી ગયા.

ચારે મિત્રો ફરી પાછા મળ્યા, ત્યારે તે કહેવા લાગ્યા:– “મિત્રતાથી શો લાલ થાય છે, તે હવે આપણે જાણ્યું, બરાબર અનુભવ્યું. આપણે જીવીશું ત્યાંસુધી સાચા મિત્ર રહીશું અને એકબીજાને સહાય કરીશું.” એ ચારે મિત્રોને મિત્રતાની કદર હતી, તેથીજ તેઓ સાચા મિત્ર નીવડી શક્યા.