લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
પ્રેમ

ગણાઈ, જગતને તે પવિત્ર કરી ગઈ છે. જ્યાં સ્ત્રી પ્રેમહીન હોય, તેનામાં પ્રેમ કરતાં સ્વાર્થ પ્રબલ હોય, ત્યાં કંકાસ, કલેષ, અને સર્વ પ્રકારનાં દુઃખ સહજેજ આવી મળે છે; ને તે ઘર કે તે દેશ છેવટ ર્નિમૂલ થાય છે. પુરૂષો પણ તેવે ઠેકાણે કેવલ નિર્માલ્ય જેવા થઈ જાય છે. કેમકે તેમનામાં ગમે તેટલું બલ હોય, ગમે તેટલું પરાક્રમ હોય, પણ તે બધામાં જીવ આવવો ને તેનાથી કોઈ કાર્ય સાધવું એ દ્વારા ઉભરાઇ જતા પ્રેમના અમૃત વિના કદાપિ થયું નથી, થતું નથી, ને થનાર નથી. આ પ્રમાણે વિચારતાં પ્રેમ એજ આ સંસારનો સાર છે; પોતે પોતાપણું વિસરી પારકા માટે જીવવું એજ સર્વ ધર્મબોધની, સર્વ નીતિબોધની, ને સર્વ સુખની પરાકાષ્ઠા છે. બહેનો ! આવો પ્રેમ સમજી, બીજાને સમજાવશો તો તમે કલ્યાણ પામી, સર્વને કલ્યાણરૂપ કરશો.


પ્રેમ-ભાગ ૨
૧૩

આ પ્રમાણે જે પ્રેમ કહ્યો તે કોઈ બે માણસ વચ્ચે જે સંબંધ થાય તેને કહ્યો. પણ એજ પ્રેમ હજુ એવા પ્રકારનો ન કહેવાય કે જેમાંથી લગારે લગાર સંકેચ ટળી ગયો હોય અને તેથી તે ઉત્તમ એક ભાવના નામને યોગ્ય ગણાતો હોય. પ્રેમનું લક્ષણ આપણે એક ભાવ એવું જ ઠરાવ્યું છે. તો કોઈ બે માણસના એકભાવના પ્રેમ કહેવાય ખરો, પણ તેમાં એ બે વિના જે બીજા માણસ રહ્યાં તેની સાથે કોઈ જાતનો એકભાવ થતો નથી, એટલે તેની સાથે તો કોઈ રીતનો પણ વિરેાધજ રહે છે. તેથી એવો બે જણનો પ્રેમ તે ઉત્તમોત્તમ પ્રેમ કહેવાય નહિ. જ્યારે મનનું સાંકડાપણું એટલે સુધી ટળી જાય છે કે જેવાં પોતે તેવાં જ બધાં માણસ લાગે, માણસજ નહિ પણ જીવમાત્ર તેવા લાગે, અને કોઈ સ્થળે જુદાઇનો વિરોધ રહેજ નહિ, ત્યારે તે પ્રેમ ઉત્તમમાં ઉત્તમ ગણાય. એનેજ શાસ્ત્રવાળા મોક્ષ કહે છે. કોઈ બે માણસ વચ્ચેનો જે પ્રેમ તે આવા ઉત્તમ પ્રેમને માટે માર્ગ છે ખરો, પણ તેટલામાં જ પ્રેમની કૃતાર્થતા છે, અથવા અંતરની સીમા છે એમ સમજવું એ ભુલ છે. જે એમ સમજે છે કે હું અને મારું પ્રેમસ્થાન એ એજ પ્રેમમય છીએ ને બીજાને ને અમારે તેવો પ્રેમસંબંધ નથી તે માણસ બહુ અંશે સ્વાર્થી જ થઈ જાય છે, ને છેવટે પ્રેમીને બદલે અપ્રેમી નીવડે છે. પોતાના પ્રેમ