સમાસ છે ત્યારે એક તૃણથી તે ઈંદ્રાદિ પર્યત સર્વને પોતપતાનાં કર્મ વળગેલાં છે એમાં કશો સંશય નથી. જો કોઈ પદાર્થ, પ્રાણી, મનુષ્ય અમુક સમયે અમુક સ્થિતિમાં હોય તો આપણે કહી શકીએ કે એ સ્થિતિ એનાં કર્મનું પરિણામ છે. આમ છે એટલે જે નિયમથી આ વિશ્વનો અભંગ પ્રવાહ ચાલ્યો જાય છે, ને તે પ્રવાહમાં જે નિયમથી સર્વ વસ્તુ પોતપોતાને ઉચિત સ્થલ પ્રાપ્ત કરે છે, એ નિયમનું નામ કર્મ છે. એમ માનવાની આવશ્યકતા છે. જે લોક કર્મને માનતા ન હોય તે અર્થ વગરની વાત કરે છે, કેમકે આ જગતમાં જે વસ્તુની સ્થિતિ હોય તે કોઈપણ પ્રકારના નિયમ વિનાજ થએલી છે એમ તે બોલવા ઈચ્છે છે. કર્મનો જે નિયમ છે તે કદાપિ અટકતો નથી. જેમ સર્વત્ર હવા વ્યાપી રહેલી છે, તેમ કર્મના નિયમથી પણ સર્વ બાંધેલું છે. એમાંથી કોઈ છૂટું નથી કે છૂટી શકતું નથી. કર્મના નિયમમાંથી જ્યારે છૂટી જવાય ત્યારે તો મોક્ષ થયો કહેવાય. જ્યારે વાસના તૂટે ત્યારે કર્મ પણ અટકે, કેમકે વાસના છે તે કર્મરૂપી યંત્રને દોરાડનારી વરાળ છે; ને જેમ કોઈ ઇન્જનમાં વરાળ ખૂટી પડી હોય તો પણ પ્રથમ મળેલી ગતિને લીધે, તે ઈન્જન થોડીવાર રેલ ઉપર દોડે છે, તેમ વાસના તૂટી ગઈ હોય તો પણ પ્રથમની વાસનાએ પેદા કરેલી કર્મરૂપ ગતિથી દેહ થોડીવાર સુધી ચાલે છે. પણ કર્મરૂપ ગતિ પેદા કરનાર જે વાસના તેનો નાશ થયો છે એટલે ચાલતી ગતિ પૂરી થયા પછી નવિ ગતિ થનારી નથી, કે એ ગતિ બીજી વાસના પેદા કરી શકે એવી સમર્થ નથી, સમર્થ હોય તોપણ મૂલની વાસના અને તે વાસનાનું સ્થાન બન્ને નાશ પામેલાં છે, એટલે વાસનાને રહેવાનું સ્થાન નથી. આવું જે આ ઠેકાણે સમજાવ્યું તેનેજ શાસ્ત્રમાં એમ કહેવું છે કે વાસનાનો ને તેના સ્થાનનો નાશ થયો હોય તો જે કર્મ પૂર્વથી ચાલેલાં હોય તે પરિપૂર્ણ થઈ જાય તેથી કશી હાનિ થતી નથી. બીજી રીતે કહીએ તો જેને વાસનાનો નાશ થયો છે તેજ મુક્ત એટલે મોક્ષ પામેલાં છે, છતાં તે જે કર્મ કરતાં જણાય છે તે કર્મ તેમને નડતાં નથી, કેમકે તે તો, પેલા ઇન્જનની પૂર્વથી મળેલી ગતિ સંપૂર્ણ થઈ જતી હોય તેવાં છે.
મળેલી ગતિ પૂરી થતાં ગાડી અટકે; તેમ પૂર્વવાસનાથી પ્રેરાયલા