પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલવિલાસ.

પૈસાને કે સમૃદ્ધિને પણ સદ્દવૃત્તિ જોડે સંબંધ નથી; એ તો નબળા મનનાં માણસના હાથમાં ઉલટાં સદવૃત્તિને બદલે અતિ દુષ્ટ સાધન થઈ પડે છે. અધિકાર, પદવી કશાથી સદ્દવૃત્તિ આવેલી ગણાતી નથી. સદ્દવૃત્તિ પોતે એવી વસ્તુ છે કે તેનાથી બુદ્ધિ, વિદ્યા, પૈસો, અધિકાર, પદવી, બધાં દીપી શકે છે, તેના વિના એ બધાં લુખાં, નકામાં, અને ઘણુ વાર ખોટે રસ્તે લેઈ જનારાં નિવડે છે.

કુશલતા ઘણાંનામાં હોય છે, તેમ વિદ્યા, ધન ઇત્યાદિ પણ કાઈ નથી હતાં એમ નથી, છતાં માણસોને સમ્પૂર્ણ વિશ્વાસ કોના ઉપર આવે છે? જે માણસ સત્યનિષ્ઠ એટલે સત્યનેજ સર્વદા વળગેલું હોય તેના જ ઉપર સર્વનો વિશ્વાસ રહે છે, તેનાં વચન સર્વ માનવા યોગ્ય ગણે છે, ને તે જ બધાંને વશ કરી સર્વ તરફથી માન પામે છે. સત્યનિષ્ટા એ સદ્દવૃત્તિનું પ્રથમ લક્ષણ છે. એનું જ નામ પ્રમાણિકતા કહેવાય છે.

આપણે ભવ્ય પરાક્રમ કરી સર્વની નજર આપણા તરફ ખેંચવી, કે ધન કે અધિકાર મેળવી સર્વને માથે ચઢવું, કે ઘણી વિદ્યાના ભંડોળથી ચમત્કાર ઉપજાવવો, એ બધું છેક આપણા હાથમાં નથી. મહેનત કરતાં પણ તે કોઈ વાર નથી મળતું. પણ સત્ય નિષ્ઠાથી વર્તવું એ વાત સર્વદા આપણા હાથમાં જ છે. ધન, અધિકાર. કે એવીજ બીજી સમૃદ્ધિ મેળવવામાં બહારનાં એટલે આપણા વિના બીજા સાધનોની બહુ જરૂર પડે છે, એટલે તેવાં સાધનોની ખોટ હોય તો તે વાતો ન પણ મળે; પરન્તુ સત્યનિષ્ટાથી ચાલવામાં આપણા પોતાના વિના કોઈની જરૂર પડતી નથી, એટલે સદ્દવૃત્તિથી ભલાઈ લેવી કે દુષ્ટવૃત્તિથી ભુંડાઈ વહોરવી એ આપણા જ હાથમાં છે. જે સત્યને વળગી રહે છે તે નિરંતર એટલું તપાસશે કે મેં શું કર્યું, મારે શું કરવાનું છે, મેં કર્યું તેમાં કેટલું અયોગ્ય છે, હવેથી મારે શું સાચવવાનું છે. આનું નામ આત્મ પરીક્ષા કહેવાય છે, ને તે પ્રત્યેક માણસે ઘડી ઘડી કરવી જ જોઈએ. થોડામાં થોડી દિવસમાં એક વાર એટલે સુવાને સમયે કે ઉઠવાને સમયે તો કરવી જ જોઈએ. એમ કરવાથી સત્યનિષ્ઠામાં વિક્ષેપ પડતો નથી સદ્દવૃત્તિનું મુલ દઢ થતું જાય છે. એકલી સત્યનિષ્ઠાથી સદ્દવૃત્તિ સિદ્ધ થતી નથી. ઉદારતા અને ન્યાય તથા પ્રેમ એ સદ્દવૃત્તિનાં મુખ્ય લક્ષણ છે. મનનું જે સાંકડાપણું આપણને બીજાના દોષ જોવા ઉપર દોરે છે, કે આપણા પોતાના ગુણ ગાવાના અભિમાનમાં પાડે છે, તેને તજી સર્વને આદરથી જેવાં એનું નામ ઉદારતા છે. ન્યાય એનું નામ કે આપણે