લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦
બાલવિલાસ.

કરવો, વશિષ્ઠ ગુરુને બોલાવી યોગ્ય મુહૂર્ત રાજ્યાભિષેક માટે સર્વ પ્રકારની સામગ્રી તૈયાર કરાવી, અને રામને પણ તે વાતની ખબર કરાવી. આખા નગરમાં હર્ષ અને ઉત્સવ પ્રસરી રહ્યો છે; સવારના પહોરમાં રામને રાજ્યાભિષેક થવાનો છે. તે પૂર્વેની રાત્રીએ એવું થયું કેકૈના મનમાં તેની દાસીની દુષ્ટ પ્રેરણાથી પાપ ભરી વાસના પેદા થઈ. દશરથ રાજાએ કેકૈને કોઇ સમયે તેની કોઈ સેવાથી પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું હતું. તેને તેણે આજ લાભ લેવા ધાર્યો, ને મહા કલેષ મચાવી બેઠી, જ્યારે દશરથ રાજા રાત્રીએ તેની પાસે પધાર્યા ત્યારે તેમણે એ બધું જોઈ બહુ આશ્ચર્ય બતાવ્યું કે આજ ઉત્સવને સમયે આમ કેમ? કેકૈએ બહુ કલ્પાંત કરી કરી પેલું વરદાન માગ્યું, ને તેમાં એમ માગ્યું કે કૌશલ્યાનો પુત્ર રામ, બાર વર્ષ સુધી વનવાસ જાય અને મારો પુત્ર ભરત ગાદીએ બેસે. વચને બંધાયેલો રાજા આ વાત સાંભળતાંજ મૂર્છા ખાઈને પડ્યો, પણ પેલી દુષ્ટ સ્ત્રીને દયા આવી નહિ. જાગ્રત થયા પછી રાજાએ ઘણું સમજાવી, પણ એકની બે થઇ નહિ. રાજાથી આ વાત રામને કહેવાતી નથી, તેમ કહેવાય તો પણ પોતાનો પ્રાણ જાય તે પહેલાં રામથી જુદા પડવાનું પણ થાય તેમ નથી. ધીમે ધીમે વાર્તા રામને કાને ગઈ. પ્રાતઃકાલમાં રાજ્યાભિષેક માટે યોગ્ય વસ્ત્રાલંકાર સહિત રામે આવી ગુરુને તથા પિતાને વંદન કર્યું. અને પોતાની ક્ષીણ મુખમુદ્રા જોઈ બોલ્યા કે હે પિતાજી! આપની પ્રતિજ્ઞા સચવાય ને તે પણ મારાથી સાચવવાનું થાય, એ કરતાં મારું ધન્ય ભાગ બીજું કયું ? માટે હું અહીંથીજ આપને નમસ્કાર કરી રાજવેષ ત્યાગ કરી, વનવાસ ગ્રહણ કરું છું, આપ ભરતને રાજ્યાભિષેક કરો. દશરથ રાજા તો આ બાલકની વાણીથી મોહ પામી ગયા, ને એ પ્રસંગથી દિગ્મૂઢ થઈ રહ્યા. શ્રી રામ પોતાની માતાની આજ્ઞા લેવા ગયા. પણ ત્યાં બહુ બહુ કલ્પાંતે માતાએ તેમના કોમલ દેહને દુ:ખને સ્વાધીન થવાની આજ્ઞા આપી. એમના ભાઈમાંથી માત્ર લક્ષ્મણજ અયોધ્યામાં હતા, તે રામ વિના ક્ષણ પણ રહેતા નહિ, એટલે એમની સાથે જવા તત્પર થયા, અને સીતાએ પણ દીન વદને આવીને પ્રાર્થના કરી કે મહારાજ ! હું પણ આપની સાથે જ આવવાની છું. રામે સીતાને ઘણું સમજાવી, વનવાસનાં દુઃખ કહી બતાવ્યાં, પીયર કે સાસરામાં રહેવાથી જે સુખ મળે તે કહી બતાવ્યાં, પણ સીતાએ કશું સાંભળ્યું સરખું નહિ, ને કહ્યું કે “હે સ્વામી ! સ્ત્રી છે તે પોતાના પતિની છાયા જેવી છે, જો શરીરથી શરીરની છાયા જુદી થઈ શકતી હોય તો પતિથી પત્ની જુદી થઈ શકે, તેને સુખ