પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલવિલાસ

થઈ ગણાય. ઉદારતા અને પ્રેમ જ્યારે ઉદય પામે છે ત્યારે તેની સાથે જ સ્વાર્પણનો ગુણ આવે છે, સ્વાર્પણ એટલે પોતાનાં સુખ, ને પોતાની સગવડ તેને વિસારે પાડી પારકાનાં સુખ સગવડ સાધવા તરફ વળવાનો ગુણ, એ ગુણ જ્યારે આવે ત્યારેજ સદવૃત્તિ આચારરૂપે પ્રત્યક્ષ દેખાય છે. ઘરમાં બેઠાં અનેક સારી વાતો કરવાથી લાભ થતો નથી. પણ તેમ કરવાનો પ્રયત્ન કરવાથીજ શુદ્ધ સદવૃત્તિ સિદ્ધ થાય છે. જેનામાં સદવૃત્તિ છે તે સદવૃત્તિ પ્રમાણે આચાર કરવાને ચુકતાંજ નથી. સદવૃત્તિવાળાં મનુષ્ય પોતાના મનમાં અમુક સિદ્ધાંત બાંધી તે પ્રમાણેજ વર્તવા માંડે છે; પછી તેમાં લાભ કે હાનિ થાય તે ઉપર જોતાં નથી, લોકોની સ્તુતિ કે નિંદાને ગણકારતાં નથી. લોકની સ્તુતિ નિંદા અનિત્ય છે, ને તેના ઉપર કશો આધાર નથી, એનાથી કશો સંતોષ થતો નથી, પણ આપણી સદવૃત્તિના નિશ્ચય પ્રમાણે કરવાથી કોઈ જુદીજ જાતનો આનંદ રહે છે. ટટ્ટુ વેચવા જનાર મીઆંની વાતમાં મીઆંએ જેમ લોકની વાતોને સ્વીકારી છેવટ પોતાનો ટટ્ટુ ગુમાવ્યો, તેમ લોકની સ્તુતિનિંદા ઉપર લક્ષ આપનારને પણ થાય છે. ખરાં સ્તુતિ નિંદા પોતાના આત્માનાં. પોતાની સદવૃત્તિનાંજ તપાસવાં, અને આત્મપરીક્ષાથી સર્વદા શુદ્ધ માર્ગે ચાલવું.

સદવૃત્તિનું રૂપ તેના આચારથીજ જણાય છે ને એવાં આચારવાળાંની અસર તેમના સંબંધમાં આવનાર સર્વને લાગે છે માટે સર્વદા સદવૃત્તિની બુદ્ધિ કરવી એમાં આપણું અને જગતનું કલ્યાણ છે. સદવૃત્તિવાળાં સન્મનુષ્યનું વર્ણન કરતાં કહ્યું છે કે તેઓ "મન કર્મ અને વાણી ત્રણેમાં સરખી રીતે કલ્યાણરૂપ અમૃતથી ભરેલાં હોય છે. ત્રિભુવનને ઉપકારને ઓઘથી પ્રસન્ન કરતાં ચાલે છે, પારકાના ગુણના કણને પણ મહોટા પર્વત જેવડો કરી પોતાના હૃદયમાં નિરન્તર આનંદ પામતાં રહે છે, એવાં કોઈક જ !" તમારે પણ એ કોઈકમાંનાં એક થવા પ્રયત્ન કરવો.

સત્સંગ.
૩.

સદવૃત્તિ બંધાવી એ સહજ વાત નથી. માબાપ અને ભાઇભાંડુના સહવાસમાં જે રીતભાત દીઠામાં આવે તેનાથી મનનું ધોરણ ઘડાવા માંડે છે. તે પછી ઘર બહારની અસરો જેવી કે નિશાળમાં સોબતીની, સગાં