પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સદ્દવૃત્તિ

સંબંધીમાં ફરવાની, સખી સાહેલીઓમાં રમવાની, એમ જુદી જુદી સોબતની અસરો થવા માંડે છે. ત્યાર પછી સંસારવ્યવહારનાં કામમાં જોડાતાં જે કામકાજ કરવાં પડે છે, જે જે જુદા જુદા પ્રકારના સંબંધ બંધાય છે, તે સર્વની અસર મનના ધોરણ ઉપર થાય છે. એમ અનેક કારણોથી માણસના મનનું વલન ઘડાય છે, ને એ રીતે વૃત્તિ બંધાતી ચાલે છે, એટલે એ બધામાં જો સારાં થવા ઉપર આપણે લક્ષ રાખીએ તો આપણી વૃત્તિ સારી થાય છે; ને જેને સદ્દવૃત્તિ કહી તે આપણામાં આવે છે.

ઘરમાંથીજ બાલકને સારી બુદ્ધિ અને સારી વૃત્તિ આવે તેટલા માટે માતા અને પિતા બન્નેની વૃત્તિ બહુજ સારી જોઈએ પણ એના વિષે કોઈ બીજા પાઠમાં કહેવાશે. હાલ આપણે ઘર છોડીને ઘર બહાર જે સંબંધોમાં પડીએ તેના વિશે વાત કરીએ માણસનો સ્વભાવજ એવો છે, કે જે વાત જુએ તેની તે નકલ કરે. કોઈપણ માણસનો સહવાસ થવા માંડ્યો કે તુરત, આપણે ન જાણીએ તેવી રીતે પણ, તે માણસની રીતભાત, તેના વિચાર, એ બધું આપણામાં ધીમે ધીમે પેસવા માંડે છે. કોઈની સાથે થોડાક કલાક વાતચીત કરવામાંથી પણ, આપણને તેની અસર લાગ્યા વિના રહેતી નથી. નાના બાળકોનો સ્વભાવ ઘણોજ નરમ હોય છે તેથી તેના ઉપર તેમના સંબંધમાં જે આવે તેની છાપ બહુ વહેલી પડે છે.

માણસને અસર અનેક રીતે થાય છે, પણ નજરે દેખીતા દાખલાથી તેને જેવી અસર થાય છે તેવી બીજા કશાથી થતી નથી. આનું ઉદાહરણ એજ છે કે નાનાં બાલક પોતાનાં માબાપની રીતભાત ને બોલીની નકલ કરે છે, તેમ નિશાળે ગયા પછી પોતાના શિક્ષકની નકલ કરે છે. કેટલાંક જાણી જોઈતે કરતાં હશે, પણ ઘણાંનાથી એવું અજાણતાં એની મેળે થઈ જાય છે. જ્યારે માણસનો સ્વભાવ આવો છે ત્યારે જે જે મનુષ્યના સંબંધમાં આપણે આવીએ તેમના આચાર વિચાર, અનુકરણ (નકલ) કરવા જેવા હોય તે કેટલો બધો લાભ થાય? આટલા માટે એ વાત જરૂરની છે કે નાનાં બાલકોએ ગુણ થકી પ્રખ્યાત થયેલાં સ્ત્રી પુરુષ થઈ ગયાં હોય તેમના ઉપરજ નજર રાખવી, ને તેમની નકલ કરવી. રામ અને હરિશ્ચંદ્ર જેવા સત્પુરુષ, કે સીતા અને સાવિત્રી જેવી સન્નારીઓનાં વૃતાન્ત કથા પુરાણ વગેરે સાંભળવાં, અને રાત દિવસ લક્ષમાં રાખવાં, કે જેથી તેમનામાં જે સદ્દવૃત્તિ હતી તેવી તમારામાં પણ બંધાય.

દુનિયાનાં બુઠાં અને સ્વાર્થી તથા એકલપેટાં માણસો જોડે વાત