લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬
બાલવિલાસ.

રાત દિવસ દોડાદોડ કરે, તેમ તેની રચનામાં એવું પણ નથી કે તે આખી રચનાને જાણવાનું અભિમાન કેાઈ રાખી શકે, એવું હોવાથી મધ્યસ્થ એટલે વચલો માર્ગ લેવો બહુ સારો છે. તે માર્ગ એવો કે અમુક સંભવ અગમ્ય હોય, પણ તે અશકય છે કે નહિ, એ તો પૂરેપૂરી નિરીક્ષા અને પૂરેપૂરો વિચાર કર્યા વિના કહી શકાય નહિ.

એક મધ્યસ્થ માર્ગ રહી વિચાર કરીએ તો ચમત્કાર એ શું છે તેનું કાંઇક તવ આપણે જાણી શકીએ. એક વાત સારી પેઠે લક્ષમાં રાખવાની છે કે આ વિશ્વમાં જે નિયમોથી વિશ્વની રચના ચાલે છે, તે નિયમો અનાદિ કાલના સ્થાપિત થયેલા છે, ને તેમાં જે પરિવર્ત થતો સમજાય તે પણ કોઈક તેવાજ સ્થાપિત નિયમ વિના થતો નથી, જ્યારે આવું છે ત્યારે વિશ્વના નિયમોની વિરૂદ્ધ કાંઈક બની આવે એ કેટલું અશક્ય અને વિચારી પણ ન શકાય તેવું છે ? સાધારણ લોક એમજ જાણે છે કે ચમત્કાર છે તે વિશ્વનિયમની વિરૂદ્ધ જે કાંઈ થાય તેવો ઇશ્વરે કરેલો બનાવ છે, પણ ઇશ્વર પોતે પણ સ્થાપિત નિયમોથી કદાપિ વિરૂદ્ધ જતો નથી, તે નિયમ વિરુદ્ધ બનાવજ હોય નહિ. આવી સમજણથી વિચારીએ તે જે જે વાતો ચમત્કાર લાગે છે તે બધી નિયમાનુસાર થયેલી હોવી જોઈએ એમ આપણને નિશ્ચય થશે. માણસો પોતાના જ્ઞાન પ્રમાણે વિચાર કરી પોતાની સર્વ પાસા થતા બનાવોનો ખુલાસો આપી નથી શક્તાં માટે તે તે બનાવને ચમત્કાર જાણે છે. એનાં ઉદાહરણ અનેક છે. વરાળના ઉપયોગથી ગાડી અને સંચા ચાલી શકે છે, કે વિજળીના ઉપયોગથી હજારો ગાઉ સુધી સંદેશો મોકલી શકાય છે, એ વાત આજથી બસો ત્રણસો વર્ષ ઉપર કોઈ ખરી માનતું નહિ; ને એથી બીજા ત્રણસો વર્ષ ઉપરથી વાત વિચારીએ તો તેવી તેવી રીતે કાંઈક ક્રિયા કરવાની શક્તિ ધરાવનારને યુરોપમાં પણ ભૂતની સાધનાવાળાં જાદુગર ગણી બાળી નાખવામાં આવતાં; છતાં એની એજ વરાળ અને એની એજ વિજળી આજે કોઈને જોવાનું મન થાય એટલું આશ્ચર્ય પણ પેદા કરી શકતાં નથી. આ જગતનો નિયમજ એવો છે. ચાલતી વાતો જૂની થાય છે. જૂની વાતો ભૂલી જવાય છે, ને નવી વાત છતી થાય છે; પણ એકે નિયમ વિના બનતી નથી. માણસોને અનેક વાતો અગમ્ય છે. ખરી રીતે કહીએ તો માણસનું જીવિતજ અગમ્યતાનું ભરેલું છે. જે જે વાત વિચાર આપણે જાણીએ છીએ તેનું શું જાણીએ છીએ, તેનો અમુક આકાર, તેનું અમુક નામ, તેના સબંધ, પણ