પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલવિલાસ.

સરખી કરવાથી પણ આપણા મનમાં કોઈક ટુંકી બુદ્ધિ પેદા થાય છે, અને કેઈક વખત પણ આપણને તેમના જેવી રીત પકડવાની ઇચ્છા થાય છે. કેમકે આપણે એવાં માણસને સુખી થતાં જોઈએ ત્યારે આપણા મનમાં એક પ્રકારની નબળાઈ પેદા થાય, ને આપણે ખોટે માર્ગે ચઢીએ. એમ થવાથી સદ્દવૃત્તિ બગડે. માટે તેવાની કશી દરકારજ ન કરવી એ ઉત્તમ માર્ગ છે.

કહ્યું છે કે “સ્વભાવ અને રીતભાત સરખાં હોય તેમની મૈત્રી થાય છે.” દુર્વ્યસનીની સાથે સારાં માણસ જતાં નથી, ચોર જોડે શાહુકાર ઉભો રહેતો નથી. એવોજ નિયમ છે કે જેના સ્વભાવ અને વિચાર આચાર એક સરખાં હોય તેજ એક બીજાના ભણી ખેંચાય છે, જો ઉલટા સ્વભાવનાં માણસ ભેગાં થાય તો સંબંધ થતો નથી. પણ કદાપિ ભોગજોગે થયો તો “ ઉડે ન તોય ઠેકવા શીખે વસી વિહંગમાં” એમ જે કહ્યું છે તેમ થાય છે. માણસના સારા ગુણની નકલ કરવામાં બહુ દુ:ખ પડે છે, કેમકે તે ઘણા દુખે શીખાય છે; પણ નઠારા ગુણોને લેઈ લેતાં વાર લાગતી નથી, કેમકે નઠારી વૃત્તિ છે તે સહજમાં પાર પડે છે, ને આરંભે બહુ સુખવાળી લાગે છે. પણ નિત્ય સારા ગુણ ઉપર નજર રાખી જ્યાં હોઈએ ત્યાંથી સારા ગુણનેજ ગ્રહણ કરવા. સર્વ કરતાં ઉત્તમ માર્ગ એજ છે કે નઠારી સોબત તજવી અને પોતાને અનુકૂલ હોય એવી સારી સોબતમાં મળવું. આવી સેબતમાંથીજ મૈત્રી અથવા સહીપણાં બંધાય છે. મિત્ર અથવા સહીની આ સંસારમાં એટલી બધી જરૂર છે કે જેને ખરો મિત્ર નથી તે માણસ પૂરૂ સુખી નથી, એમ કહી શકાય. માતા, પિતા, ભાઈ, બહેન, કે પતિ, પત્ની, તેમના આગળ જે નથી કહી શકાતું તે મિત્રને કહી શકાય છે, ને એમ આપણા હૃદયનો બીજાના હૃદયમાં વાસ છે એ જાણવાથી આપણને બહુ સુખ અને સંતોષ પેદા થાય છે. સન્મનુષ્યના સંગનું ફલ એવું કહ્યું છે કે " તેનાથી બુદ્ધિમાં રહેલી જડતા ઘસાઈ જાય છે, વાણીમાં સત્ય આવે છે, માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, પાપકર્મથી દૂર રહેવાય છે, ચારે દિશામાં કીર્તિ પ્રસરે છે ને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.” સત્સંગતિ મનુષ્યને શું નથી આપતી? શ્રીમદ્દભાગવતમાં પણ કહ્યું છે કે “ મહામનુષ્યની સેવા છે તે મુક્તિનું દ્વાર છે.”

મહામનુષ્યની સેવા એટલેજ સત્સંગ. જેનામાં સદ્દવૃત્તિનો પ્રકાશ તે મહામનુષ્ય જાણવાં. ઘણાંક માણસોને એવી કુટેવ હોય છે કે કોઈને પોતાનાથી મહોટું માનવું નહિ. જે દેખે તેને “અહો, એમાં શું.” એમ કરીને