શ્રીમદભાગવતમાં કહ્યું છે કે “આકાશમાંથી વરસતું જલ જેમ સમુદ્રમાં જાય છે, તેમ ગમે તે દેવની કરેલી ભક્તિ પરમાત્માનેજ પહોંચે છે.” અભેદમય ભક્તિની અપેક્ષા છે, ને તે પેદા કરવા માટે આવો અર્થ રચેલો છે.
અનુભવ આ જગતમાં મહોટો શિક્ષક છે. ઘણાં અધરાં જણાતાં કામ પણ અનુભવથી સહજમાં ઉકેલતાં આવડે છે, ને કામ કામને શીખવે છે; તેમ અતિ વિકટ અને મરણ તુલ્ય સમજાતી આપત્તિને પણ અનુભવ નિયમમાં રાખે છે, તો બીજી પાસાથી વિચારને માર્ગ દોરવાથી વધારેમાં વધારે લાભ થશે તેનો વિવેક સમજાવે છે. ઘરમાં, વ્યવહારમાં, ધર્મમાં, જ્યાં જુઓ ત્યાં અનુભવ સર્વનો નિયમનાર છે, ને અનુભવનું જ્ઞાન સર્વ જ્ઞાન કરતાં ઉત્તમ છે. કેવલજ્ઞાન ઘણાં કામમાં આવતું નથી. જ્ઞાનની સાથે અનુભવની એટલી બધી અપેક્ષા છે કે તેના વિના જ્ઞાન પોતે બહુ વાર પાંગળું થઈ પડે છે, ગમે તે કોઇ સાધારણ ઉદાહરણ લઈએ તોપણ સમજાશે કે સંસારની કોઈ વાતમાત્ર તેને જાણવાથી સિદ્ધ થતી નથી. કુંભારને ઘડા કેમ ઘડવા તેનું જ્ઞાન હોય, પણ તે જ્ઞાન સાથે તેને તે જ્ઞાનને શી રીતે વ્યાપારમાં મૂકી ઘડૉ ઉપજાવવો તેવો અનુભવ ન હોય તો તે કુંભાર કશા કામનો રહેતો નથી. અમુક સમયે અમુક રીતે ચાલવું, ને અમુક પ્રકારના સિદ્ધાન્તો સર્વદા પકડી રાખવા એવા નિશ્ચય વિચારમાત્રમાં બહુ સારા લાગે છે, પણ તેમને દુનીયાદારીના અનુભવમાં ઉતરવા વેળે એટલાં વિઘ્ન નડે છે કે, કોઈ ખરાં ભાગ્યશાલીજ તે નિશ્ચયોને વળગી પાર પાડે છે. અનુભવમાં આવતાં જ ઘણાંક તો પોતાના નિમયને દૂર મૂકી દે છે, ને કહે છે કે ભાઈ! વાતો કરવી તે જુદી વાત છે, ને સંસારમાં તે પ્રમાણે કરવું એ જુદી વાત છે. કેટલાંક પોતાના નિયમને મારી મચરડીને હોય તે કરતાં કોઈ બીજેજ આકાર આપે છે તે જેમ તેમ નિર્વાહ કરે છે. કેટલાંક એકજ વિશ્વાસથી નિશ્ચયને વળગી રહી પોતાનો સંસાર વણસાડે છે, ને દુનીયામાં “ભણ્યાં પણ ગણ્યાં નહિ” એવી હાંસિમાત્રજ કમાય છે, પણ જેમને વિચાર તેમજ તે વિચારના અનુભવનું યથાર્થ સમાધાન જાણવામાં હોય છે તેજ સંસારમાં આઠે અંગે વિજયી