પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સદ્દવૃત્તિ.

હલકું પાડવું. પણ આવી ટેવ બહુ ભયંકર છે; ને બાલકોએ તો એ ટેવમાં કદાપિ ફસાવું નહિ. એવી ટેવ પડતાં, કોઈનો પણ આદર મનમાં થતો નથી, ને એમ અભિમાન વધવા માંડે છે. તેથી મન સાંકડું થાય છે, અને પાપનો રસ્તો બંધાય છે. કોઈ પણ બુદ્ધિનો ચમત્કાર જોયો, કઈ પણ સદ્દવૃત્તિનો અંશ સાંભળ્યો, કે તુરત વાહ વાહ કહીને જે બાલક કે મનુષ્ય તેની નકલ કરવા ઉપર વળતું નથી, પણ તેને હલકું પાડવાનાં ખુદરાં શોધવા બેસે છે, તેણે પાપને પગથીએ ચહડવા માંડ્યું છે એમ નક્કી જાણવું. તેવા માણસને ગમે તેવી સત્સંગથી લાભ થનાર નથી, કશાથી તેને સંતોષ થવાનું નથી, ને તેનું જીવિત કેવલ ચીડીયાપણામાં ને કલેશમાં ગુજરનારું છે. માટે જ્યાં જ્યાં કશી ઉત્તમત્તા હોય, ત્યાં સર્વદા આપણું માથું નમાવવું, તેનો સંગ રાખવો, તથા તેની નકલ કરવી. “સત્સંગ એજ સર્વ વાતને સાર છે.”

ઘણાકને મનુષ્યનો સંબંધ રાખવોજ ગમતો નથી, જેમ તેમ કરીને પોતાનો ગુજારો કરી ખુણે ભરાઈ રહેવાનુંજ તેમને પ્રસન્ન છે. પણ જ્યાં સુધી મનની વૃત્તિઓ ઠેકાણે ઠરી નથી, ને જ્યાં સુધી આશા ને ઇચ્છાનો પાર આવ્યો નથી, ત્યાં સુધી એકાન્તમાં રહેવું બહુ હાનિકારક છે. માણસનો સ્વભાવજ એકલા રહેવાનો નથી. માણસથી અળગાં થઈ શકાય, પણ આપણા પોતાના વિચારોથી અળગાં થઈ શકાતું નથી; ને વિચાર છે તે ઘણી વાર ગમે તેમ ફેલાઈ, નઠારામાં નઠારી સોબત કરતાં પણ વધારે હાનિ કરે છે. કોઈ માણસ કહેશે કે મને નઠારા વિચાર આવતા નથી, મારે કશી ઇચ્છા નથી, તો હું એકાન્માં શા માટે આનંદ ન કરું? પણ એવો એકાન્તવાસ લાભકારક નથી, કેમકે કોઈ પણ ગુણ આપણામાં છે એ ક્યારે જણાય છે, કે જ્યારે આપણે તેનાથી ઉલટા ગુણની કસોટીએ ચઢીને પાર ઉતરીએ ત્યારે. આપણને કાંઈ ન થળતું હોય ત્યાં સુધી આશા કે ઇચ્છા નથી એમ કહીયે પણ મળવા જે સમય આવે કે તુરત લેવા જઈએ, તો આપણે જે નિરાશ રૂ૫ વૈરાગ્યનો ગુણ રાખતાં હોઈએ તે ખોટો છે. માણસને આવુંજ વારંવાર બને છે, માટે માણસે માણસના સંબંધમાં આવવું, સત્સંગ કરવો, મૈત્રી , સ્નેહ અનુભવવાં, અને એમ પરસ્પર સંબંધમાં પોતાના ઉત્તમ ગુણોને કેળવી, છેવટે આરામ ભોગવવા માટે યોગ્ય થવું. એ યોગ્યતા સતસંગથી આવે છે. માટે સર્વદા સત્સંગ શોધવો.