લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૫
પ્રાર્થના.

એમાં એ વૃત્તિ કોઈ કોઈ વાર ચાલે એવો સંભવ રહે છે. જ્યારે વૃત્તિ નિત્ય આત્મામાંજ મરી જાય, ને ફરી ઉદય પામેજ નહિ, ત્યારે પરમસુખ જેને એકરસ મોક્ષ કહે છે તે થાય છે. એનેજ યોગશાસ્ત્રમાં સમાધિ કહે છે. જેને આમ થાય છે તે જાણતા નથી કે અમને એમ થયું છે, કેમકે એમ જણાવું એ તે વૃત્તિજ જ થઈ.

ત્યારે હવે પ્રાર્થનાનો પણ હેતુ સમજાઈ શકશે. વૃત્તિને સ્થિર કરી આપણે જેને આત્મા, ઈશ્વર, પરમદેવ, જાણતાં હોઈએ તેના ઉપર દૃઢ કરવી, ને છેવટ, તે રૂ૫જ રહે એમ કરી દેવી તે ખરી પ્રાર્થના છે. એનેજ યોગશાસ્ત્રમાં ધ્યાન કહે છે. નિરંતર એમ થાય ત્યારેજ સ્વતંત્ર એકભાવ અનુભવાય છે, ને આનંદ વિના બીજું કાંઈ સંભવતુંજ નથી. કેવલ સ્તુતિ ગાવી કે ભણવી, પાઠ કરવો કે કરાવવો એમાં કશું ફલ નથી. પ્રાર્થના કરનારા એક બીજી વાત પણ પૂછશે કે કરેલાં પાપના પ્રાયશ્ચિત અથવા પશ્ચાત્તાપથી કાંઈ ફલ ખરું કે નહિ ? ફલ ખરુંજ, પણ તે એટલું જ કે તેવું કર્મ કરવાની વૃત્તિ ફરીથી ન થાય, અને તે કર્યો ને લીધે જે વૃત્તિ તથા શરીરમાં વિક્ષેપ થયો હોય તે સુધરે, એમાં પણ જે સુધારો થાય તે ભવિષ્યને માટે થાય. પણ તેથી ભૂત સમયમાં જે પેલા પાપને લીધે હાનિ થઇ હોય તે કાંઈ ફલ પેદા કર્યા વિના રહે નહિ. વૃત્તિની સ્થિરતા એજ સર્વત્ર મુખ્ય વાત છે; ને થયેલા રોગના ઓસડ કરતાં રાગ ન થવા દેવો એ વધારે ડહાપણ ભરેલું છે.

હજુ એક બીજી વાત રહી, પ્રાર્થના કે તેવાંજ જપ હોમ આદિથી લોકો ધારેલાં કામ કરાવવા ઈચ્છે છે એમ કેમ થતું હશે ? એવું જે પ્રવર્તવું તે તો વૃત્તિને વધારે વિક્ષેપ પમાડવાનું કામ છે, ને પરિણામે દુઃખજ આપે છે પણ એમાં કદાપિ ફલ મળતું હોય તો, તે પ્રાર્થના કે જપ હોમથી રાજી થઈને કોઈ આપતું નથી, પણ પોતાની વૃત્તિજ અતિ બલવતી થઈને ફલને ખેચી લાવે છે. મનમાં બહુ વેગથી જે સંકલ્પ થાય તે ઘણીવાર સફલ થાય છે, એવોજ આ પણ પ્રકાર છે, છતાં તે કાંઈ શ્રેયનો માર્ગ નથી.

મનની વૃત્તિનો અત્યંત અટકાવ થઈ, તે વૃત્તિ સર્વ વ્યાપી એકરસ આત્મમય થઈ જાય, ને તેમ થયું છે એ પણ જાણવાની વૃત્તિ ન રહે, એજ ખરા સુખના અનુભવનો પ્રસંગ છે. એજ ખરું ધર્મકર્મ છે, એજ ખરી પ્રાર્થના છે.


૨૪