પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
ધર્મ.

ગાય, માણસ, અરે ! પાપણ, વૃક્ષ, વાયુ, સર્વને, કેમકે ચેતન સર્વવ્યાપી છે, ને જે જે નામ રૂપમાં તે જણાય છે ત્યાં ત્યાં તે જીવ કહેવાય છે. હોવાપણા રૂપે પદાર્થમાત્રમાં ચેતન વ્યાપેલુંજ છે, એટલે પદાર્થમાત્રને જીવ છે એમ સમજવું. જીવ એટલે બોલવું, ચાલવું, કે વિચારવું તેજ જીવ એમ નહિ, પણ અમુક રૂપે હોવાપણુ તે પણ જીવ એમ જાણવું. આ પ્રમાણે સ્પષ્ટ થયું કે આ વિશ્વનો ખુલાસો કરતાં જીવે એટલે ચેતનનો કોઈક પ્રકાર તે માન્યા વિના બરાબર સમાધાન થતું નથી એ તો હમણાં જ કહ્યું છે કે ટુંકી ને સીધી રીતે જેથી સર્વ વાતનું સમાધાન બને તે ઉત્તમ ધર્મ. ત્યારે જે કહ્યું છે કે જીવ માનવો એ ધાર્મિકનું લક્ષણ છે તે યથાર્થ છે. પુનર્જન્મ અથવા આ જન્મ છે તે પછી બીજો જન્મ છે, ને આ જન્મ પહેલાં હતો, એવું માનવું એ પણ ધાર્મિકનું લક્ષણ છે. આ વાત શા માટે માનવી તેનાં કારણ આગળ કહેવાશે. જીવ અને પુનર્જન્મ બેજ માનવાથી ધાર્મિક ગણાવાય ખરું, પણ એકલા માનવાથી જ ધર્મિષ્ઠ થવાતું નથી; ખરો ધર્મ એમાં રહ્યો છે કે જે માનવું તેવું કરવું, વાતો કરવાથી પેટ ભરાતું હોય તો પકવાન્ન જમ્યાના સ્વપ્નમાંથી જાગીને ચુલો સળગાવવાની અપેક્ષા ન રહે. ઓષડ પીધા વિના તેના નામથી રોગ જતો નથી એમ શ્રી શંકરાચાર્ય કહે છે. જયારે સર્વત્ર એક ચેતન વ્યાપી રહ્યું છે, એમ માન્યું, અને જ્યારે તેને નિત્ય સુખ અને જ્ઞાનરૂપ માન્યું, ત્યારે હું અને તું મારું અને તારું એવા કલ્પિત ભેદ ઉઠાવી સંસારને વિષમય કરી નાંખનારાં કુટુંબકલહ, મિત્રદોહ, કુટિલતા, એ સવ કેવલ અધાર્મિક લોકોનાં કરેલાં છે, એમ કોણ નહિ કહે ? ધર્મની વાતો કર્યા છતાં સર્વને પોતારૂપ જ્યાં સુધી માનતાં નથી, ત્યાં સુધી વાતોમાં ધર્મ સમાતો નથી. કોઈ કહે છે કે માણસમાત્રને ભાઈ બહેનરૂપે ગણવાં, આપણું શાસ્ત્ર કહે છે કે માણસમાત્રનેજ નહિ પણ એક નજીવા તૃણથી તે સાક્ષાત્ દેવતા પર્યતને ભાઈ બહેન જેવાં જ નહિ પણ આપણા પોતા રૂપજ ગણવાં. જેવું આપણને લાગે તેવું જ સર્વને લાગે એમ સમજવું દયા, પ્રેમ, દીનતા, ઈત્યાદિ જે અનેકવાર ધર્માચારમાં ગણાય છે તેનું ખરું રૂપ આવો એકાકાર આત્મભાવ અનુભવવો એટલામાંજ સમાય છે. ભગવાન્ મનુએ “ધૈર્ય, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, અક્રોધ," એ દશ ધર્મ લક્ષણ કહ્યાં છે. તે સર્વનો સમાસ જે આત્મભાવ કહ્યો, તેમાં સહજમાં થઈ જાયછે. આત્મભાવ થાય તેજ મોક્ષ, મોક્ષના આનંદની સીમા નથી, એના વર્ણનને યોગ્ય ભાષા નથી. આપણે જેને જેને સુખ ગણીએ છીએ, તે બધાં