પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૦
બાલવિલાસ.

ને ભાદરવો એમ બન્ને પતિ પત્નીની આંખે રેલવા લાગ્યાં, પણ જે સ્વામીનું લુણ રાજા ખાતો હતો, તેનું કામ કર્યા વિના છૂટકો શો? તારામતી ઉપર હરિશ્ચંદ્રે ખડગ ઉગામ્યું ને ઘા કર્યો, પણ તે જ સમયે ખડગ પુષ્પની માલા થઈ તારામતીને ગલે વીંટાયુ; અને હરિશ્ચંદ્ર તથા તારામતી જેવાં ભવ્ય હતાં તેવાં થઈ રહ્યાં, ને પુત્ર પણ ઉઠીને બેઠો થઈ, માતાપિતાને નમન કરી ઉભો. સ્મશાનનો મુખ્ય ચાંડાલ, ધર્મરાજા પોતે એ રૂપે થઈ હરિશ્ચંદ્રને સાચવવા આવ્યા હતા, તે હતો, એટલે તે પણ પ્રત્યક્ષ થયા; ને એમ દેવમાત્ર એ ઠામે આવ્યા, હરિશ્ચંદ્રના સત્યની, ધૈર્યની, ને એકવ્રતની, અતિ પ્રસંશા થઈ, તારામતી જેવી સતીને અનેક ધન્યવાદ મળ્યા, ને સતી, હરિશ્ચંદ્ર તથા તેનો પુત્ર, ત્રણે પોતાનું રાજપાટ પામ્યાં. વિશ્વામિત્ર પોતે પણ હરિશ્ચંદ્રની સ્તુતિ કરવા લાગ્યા, ને વસિષ્ટથી હાર્યો એટલે શરત પ્રમાણે પોતાનું કેટલુંક તપ વસિષ્ઠને આપવું પડયું, તેથી તપશ્ચર્યા કરવા ગયા.





સમાપ્ત