એ કહેવું ખરું પડે, ને તે એ કે જે જે પ્રવૃત્તિ થાય છે તેના પરિણામની, તેના ફલની. મને ઇચ્છા નથી, ને તે ફલ થાય એવા હેતુથી મેં તે પ્રવૃત્તિ કરી નથી, આવું જો એ માણસ કહે તો તે ખરું છે, પણ તેથી પ્રવૃત્તિનો નિયમ ભાગતો નથી, પ્રવૃત્તિ એજ આખા જગત્ અને માણસનો સ્વભાવ છે એ વાત ખોટી પડતી નથી. ત્યારે કીસમત, નસીબ, પ્રારબ્ધ, ભાગ્ય, એવા શબ્દો વાપરી “આપણે કાંઈ કરવું નહિ” એમ જે બોલવું થાય છે તે ખોટું છે. ખરી વાત એટલીજ છે કે નિરંતર પ્રવૃત્તિ કરવી, કરવી એમ નહિ, પણું કર્યા વિના ચાલતું જ નથી; તેનું જે ફલ થાય તે આપણા હાથમાં નથી. એટલે તેવામાં નસીબ, કીસમત, પ્રારબ્ધ, જે સંભારવું હોય તે સંભારી સંતોષ વાળવો. કહ્યું છે કે “ ઉદ્યોગ કરનારને લક્ષ્મી વરે છે; દૈવ, દૈવ, એમ તો સાહસ વિનાના લોક કહે છે: દૈવને દૂર રાખી ઉદ્યોગ કર, ને તે છતાં કાંઈ ન મળે તો દૈવને સંભાર.”
પ્રવૃત્તિ તો ત્યારે કરવીજ, પણ તે પ્રવૃત્તિમાત્ર વિદ્યા અને અર્થ બેનેજ માટે કરવી એમ શા માટે ? બીજા ઘણા વિષય છે કે જે માટે ઉદ્યોગ થાય છે, તો આ બે વાતજ શા માટે બતાવી છે? વિદ્યા છે તે સર્વને સુખ આપી, પ્રાપ્ત કરેલાં દ્રવ્ય અને સમૃદ્ધિને યથાર્થ રીતે ભોગવાવી, છેવટ જે મોક્ષનું નિત્યસુખ છે ત્યાં સુધી લેઇ જાય છે; ને અર્થ છે તે વચમાં જે નાના પ્રકારનાં સુખ ભોગવાય છે તે મેળવી શકે છે. વિદ્યા વિના અર્થ નકામો છે, કેમકે પૈસો ભેગો કરવામાં કાંઈ ફલ નથી, તેને પોતાના અને પારકાના લાભ માટે ઉપયોગ કરવામાંજ તે પૈસો સાર્થક છે. આમ વિદ્યા અને અર્થ એ બે વસ્તુને માટેજ પ્રવૃત્તિમાત્ર કરવી જોઈએ. માણસનો સ્વભાવજ જ્યારે પ્રવૃત્તિ કરવી એવો છે, તેનું મન જ્યારે ક્ષણ પણ પ્રવૃત્તિ કર્યા વિના રહેતું નથી, ત્યારે તેને સારી પ્રવૃત્તિમાંજ વાળવું જોઈએ. માણસનું મન કુતરા જેવું છે, પકવાન્ન મળે તો તે ખાય, ભરડકું મળે તો તેને ચાટે, ને કાંઈ ન હોય તે વિષ્ટામાં પણ મોઢું ઘાલે, પણ કાંઇને કાંઇ ઝાલે ખરું. મન પણ, સારા વિચાર કરવાના ન હોય, સારી પ્રવૃત્તિ ન હોય, તો નઠારા વિચારમાં, નઠારી પ્રવૃત્તિમાં પડે છે. પણ નવરું બેસી શકતું નથી. કહેવત પણ છે કે “નવરું બેઠું નખોદ ઘાલે ” અનેક ઘણાંક બૈરાં નવરાં બેસી પારકી નિંદા, પોતાની સ્તુતિ, ને એવાં જ નીચ કામમાં પડી કલેશ કંકાસમાં પોતાનો ને પારકાનો જન્મારો મિથ્યા કરે છે. માટે નિરંતર સારી પ્રવૃત્તિજ રાખવી. ક્ષણ પણ એવી ન જવા દેવી કે જેમાં કશી પણ સારી પ્રવૃત્તિ–મનની કે તનની-ન થતી હોય. સારી