પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
પ્રવૃત્તિ.

પ્રવૃત્તિ સર્વદા થાય એટલાજ માટે કહ્યું છે કે વિદ્યા અને અર્થ ઉપર લક્ષ રાખી પ્રવૃત્તિ કરવી, પણ તેને ગમે તેમ પ્રાપ્ત કરવાં એમ કહ્યું નથી, કે તે ન મળે તે દુઃખી થવું એમ પણ કહ્યું નથી, કેમકે તે સમય તો “મરી જવું છે” એ વાત સ્મરી સંતોષ વાળવાને ઉપદેશ સ્પષ્ટ રીતે બતાવેલો છે.

પ્રવૃત્તિ-ભાગ-૨

એક ઉપદેશવાય છે કે “મનુષ્યના શરીરમાં આળસ જેવો શત્રુ નથી, ને ઉદ્યમ જેવો મિત્ર નથી.” આ વાત ઘણી ઘણી રીતે ખરી છે. જગતમાં કોઈ માણસ વિદ્યા ન પામેલું હોવાને લીધે, કે દ્રવ્યવાન ન હોવાને લીધે અપ્રતિષ્ઠાને પાત્ર થતું નથી, પણ આળસુ રહ્યાને માટે થાય છે. નિત્ય ઉદ્યોગમાં રહેવું, ને તે સારા ઉદ્યોગમાં રહેવું. એજ સર્વદા માનને પાત્ર છે, પછી તેમાંથી જેવું ફલ થાય તેવું ખરું. માન જે ઘટે છે તે ઉદ્યોગના ફલને નથી ઘટતું, પણ ઉદ્યોગનેજ ઘટે છે; આપણે કોઈ વિદ્વાન કે સમૃદ્ધિવાનને, માન આપીએ તો તે પણ તેણે જે ઉદ્યોગમાં તે પ્રાપ્ત કર્યો છે તેને આપીએ છીએ. નિરુદ્યોગ કે આળસ એ જેમ શરીર અને મન બન્નેને કાટ ચઢાવી દે છે, ને નિરુપયેગી કરે છે, તેમ જગતમાં પણ અપમાન અને તિરસ્કારને પાત્ર થાય છે. ઉદ્યોગ અથવા પ્રવૃત્તિમાં જેમ મનને વ્યાયામ (=કસરત) થાય છે તેમ શરીરને પણ થાય છે. પ્રવૃત્તિ જે મહોટામાં મહોટો ગુણ આવે છે તે કામ સમેટવાની કુશળતા છે. કોઈ પણ કામ આવ્યું કે તે કેવે પ્રકારે થશે, કેટલે સમયે થશે, અને તેને કેવા વિભાગ કરી કરવું પડશે, એ બધી વાત ઉદ્યોગી માણસ તુરત વેતરી કાઢે છે, ને તે પ્રમાણે મંડે છે. એવો ઠરાવ પાર પાડવામાં તેને નિયમિત થવાની અને વેળાસર કામ કરવાની પણ ટેવ પડે છે. આ રીતે ગમે તેવું મહોટું કામ હોય તો પણ તે થોડા જ સમયમાં પાર પાડે છે. આવી રીતે જે યોજના કરવાની શક્તિ આવવી, કામ કરવાની છૂટ, અથવા જેને બૈરાં “છોટ” કહે છે તે પેદા થવી, એ રાત દિવસ સારી પ્રવૃતિમાં રહ્યાથી પેદા થાય છે. આવી છૂટ એ મનનો ગુણ થયો, પણ એ ગુણથી જે જે કરવું પડે છે તે કાંઈ શરીરના ઉપયોગ વિના થતું નથી. શરીરને પણ એકની એક સ્થિતિમાં ઘણો વખત સુધી રાખવું પડે છે, આંખે જોવું પડે છે, હાથે કામ કરવું પડે છે, પગે ચાલવું પડે છે, આવી જે જે ક્રિયાઓ શરીરને કરવી પડે છે, તેનાથી શરીર પણ ચંચલ અને દ્રઢ થાય છે, તથા એ પ્રમાણે શ્રમ કરવાને