પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧
પુણ્ય-પાપ.

પ્રકારનાં દુઃખથી–મનના, તનના કે વાચાના-તમને લેશ પણ સુખ કે સગવડ મળે છે એમ જાણો ત્યારે પાપની નીસરણીની ટોચે જવાયું સમજજો. પોતાના જેવા જ માણસો સાથે સરખાવટ કરી પાપી માણસ સંતોષ માને છે કે ફલાણાના જે હું નથી; પણ જે નીસરણીએ સર્વે સાથે ચઢે છે તેમાં કોણ આગળ અને કોણ પાછળ તે ચઢનારને લાગવાનું નહિ. તે જો જોવું હોય તો ક્ષણવાર, એજ નીસરણી ઉપર થોભો, સ્થિર દૃષ્ટિથી, જે ચઢે છે તેમને, ચઢીને પડે છે તેમને, ને જે ચઢયા કે પડયા વિના પરમ સુખમાં છે તેમને જુઓ, તો તમને તમારી સ્થિતિનો અર્થ તુરત સમજાશે, ને તમે કીયે પગથીએ છો તે લાજભરેલી વાત સહજમાં છતી થશે.

વ્યવહાર દૃષ્ટિથી લાભ જેનારાં કહેશે કે 'ઘર બાળીને તીરથ કરવામાં' જો સાર હોય તો આ પ્રમાણે પુણ્ય કરવામાં હોય; પુણ્ય કરવામાં શો લાભ છે ? આપણે આપણું સાચવીને, કોઈને પીડા ન કરીએ એટલે થયું. આ સમજ પણ ખોટી છે, સર્વત્ર એકાત્મભાવ જાણ્યો છે તે એવું સહનજ કરી શકતાં નથી કે એકાકાર એક રૂપ આત્મામાં એક ઠામે સુખ ને એક ઠામે દુઃખ એમ સંભવે ? એવું સંભવેજ નહિ. દુઃખનું દર્શનજ આત્મભાવવાળાને જોઈ લય પામે છે. અંધારી રાત્રીએ, વૃષ્ટિની ઝડીમાં, એકલી જતી બાલા કોઈનો શિકાર્ત સ્વર સાંભળતાં અટકે છે, ને એક ડોશી ધ્રૂજતી ધ્રૂજતી એની આગળ ઉભી રહે છે. પેલી બાલા તુરતજ પોતાની કામળી તેને ઓરાઠી ચાલતી થાય છે. ડોશીનો આશીર્વાદ સાંભળવા પણ અટકતી નથી, ઘેર તેને કોઈ પૂછનાર નથી, તે કોઈને કહેતી પણ નથી. આ કામ કાંઇ એ બાલાએ પ્રથમજ કર્યું નથી, નિત્ય તેવાં અનેક યથાશક્તિ કરે છે, તેને શું લાભ છે? વાહ વાહ કહેનાર લોકદષ્ટિ છે નહિ ડોશી કાંઈ આપનારી નથી. એ કાર્ય એજ એ કાર્યનું ફલ છે, ને એ કાર્યનો લાભ છે એ કરવું એથી બીજું ફલ તેમાં નથી; કેમકે ફલ માટે જે સાધન વપરાય તે ફલ મળ્યા પછી નકામાં થાય છે, તેમ આ કામથી એ કામ એજ ફલ છે, કેમકે એ કામ પોતે કદાપિ નકામું થતું નથી, કદાપિ અપ્રિય લાગતું નથી. લાભ વિના, કે લાભની આશા વિના જે આત્મભાવથી કરેલું કામ તે પુણ્ય. કામજ નહિ, પણ મન, કર્મ, વાણી જેથી જેટલું યથાશકિત થાય તે બધું પુણ્ય.