લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
બાલવિલાસ.

નીતિ-વ્યવહાર.
૯.

જેનું પરિણામ સારૂ તે બધું સારૂંજ છે એમ ઘણાંક સ્ત્રી પુરૂષો પોતાનાં કાર્યોને ખરાં ઠરાવવા માટે બોલતાં સંભળાય છે. આવો નીતિનો નિયમ લઈ તેના વડે વ્યવહારને, જે તે રીતે, શુદ્ધ કરી લેવા લોકો મથે છે. આપણને કે કવચિત્ સો પચાસ જનોને ઉપાધિ કરનાર એક માણસ હોય તેને મારી નાંખવાથી પરિણામે લાભ છે, માટે શું તે કામ યોગ્ય છે? કાયદાથી શિક્ષા થવાનો પણ સંભવ નથી, ત્યારે શું તે કામ સારું નથી ? આપણા ઓરડાના અંધારામાં ગમે તે કરીએ તેથી આપણને સંતોષ રૂપી લાભ છે, ને અંધારાના પછેડાને પારકી આંખ ભેદી શકનારી નથી, ત્યારે શું તે કામ સારું નથી ? આવા અનેક વિચારોથી સ્ત્રી પુરૂષો પોતાના ખોટાં અને ખરાં સર્વ કૃત્યોને જેમ તેમ સારાં ઠરાવી નીભાવ કરે છે, ને કહે છે કે એતો સંસારની રીતિ છે. સંસાર શું ? સારું શું ? નઠારું શું? નીતિ શું ? એવા પ્રશ્ન વિચાર કરનારને તુરત ઉઠે છે, ને અનેક વિતર્ક ઉભા કરે છે.

આ જગતની રચના છે તે કાંઈક હેતુવાળી છે; સૂર્ય ઉગે છે તે અમુક હેતુ માટે ઉગે છે; પવન આવે છે તેમાં પણ કાંઇક અર્થ છે. માણસો ખાઈ પીને રમતા ફરે તેમાં કાંઈ અર્થ હશે ? મનુષ્યનું જીવવું ખાવા પીવા ને રમવા માટે જ છે કે તેમાં કાંઈ વધારે અર્થ છે ? માણસ માત્ર પોતાને અનુકૂળ હોય તે ઇચ્છે છે, પ્રતિકૂળ હોય તે પરિહરે છે; સુખ સંગ્રહે છે, દુઃખ દૂર કરે છે. સુખ તે શામાં છે? ખાવામાં, પીવામાં, રમવામાં, કોઈ ઈચ્છા પૂર્ણ કરવામાં ? એ બધામાં સુખ છે તે માત્ર સુખના પડછાયા જેવું છે, કેમકે તે ક્ષણિક એટલે થોડી વાર ચાલનારું છે, ને તેમાં પણ તેને અંતે સુખજ આવશે એવો નિશ્ચય નથી. જે સુખ ખરું છે. તે સર્વદા એટલે આજ, કાલ, વર્ષે, લાખ વર્ષ, પણ તેનું તેજ રહે છે, તેનું તેજ હતું, એને સીમા નથી. એ સુખ જે રીતે મળે તેવો પ્રયાસ કરવો જોઈએ, એ સુખ લેવા માટે દેશ વિદેશ શોધવા જવું પડતું નથી, ઘણું વિચારમાં ઉતરવું પડતું નથી, કે શ્રમ ઉઠાવવો પડતો નથી. એ સુખ સર્વત્ર છે, તેમ પોતપોતાનામાં પણ છે તેને ભોગવતાં આવડવું જોઈએ. એ સુખ આત્મભાવ એટલે સર્વત્ર જે ચેતન વ્યાપી રહેલું છે તેની એકતા સમજી અભેદ અનુભવવામાં રહેલું છે, એજ મોક્ષ. એ સુખ હોય તો તે ખરું સુખ કહેવાય, બાકી બીજું તો દુઃખજ છે. એ સુખ પામવું એજ માણસ માત્રના જીવિતનો હેતુ છે.