પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
નીતિ-વ્યવહાર.

હજી વધારે વિચાર કરીએ તો સુખ દુઃખ બધું કાંઈ નથી, માત્ર આપણા મનની કલ્પના છે. જે પદાર્થોમાં સુખ કે દુઃખનો ધર્મ હોત તો તે સર્વને એક જ રૂપે સમજાત. એવો નિયમ જ છે કે જેનો જે સ્વાભાવિક ધર્મ એટલે ગુણ છે તે સર્વ ઠેકાણે ને સર્વ કાલે એક જ રૂપે સર્વને સમજાય છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો જ છે, તે તે કોઈ ઠેકાણે તેથી વિરુદ્ધ રૂપે કોઇને પણ જણાતો નથી. પણ ધન કે અધિકાર સર્વ ઠેકાણે સર્વને સુખ રૂપેજ જણાતાં નથી. જેની પાસે તે હોય છે તેને આનંદ આપે છે, જે તેને ઈચ્છે છે છતાં પામતાં નથી, તેને દુઃખ આપે છે, ને જે તેની તૃષ્ણા નથીજ કરતાં તેમને કાંઇ નથી આપતાં. ત્યારે જેવી જેનારની દૃષ્ટિ તેવો ધન અથવા અધિકારમાં અનુભવ થાય છે. પણ અગ્નિમાં એમ નથી. ત્યારે સુખ અથવા દુઃખ એ અગ્નિના બાળવાપણા જેવો સ્વાભાવિક ધર્મ નથી. એતો આપણા મનની કલ્પના છે, ને બરાબર જ્ઞાનથી સમજીએ તો મિથ્યા જણાય છે, આમ છે ત્યારે કલ્પિત સુખનાં ફાંફાંને સુખ માની, આપણે આચાર કરવો તે ખોટું છે. સ્વભાવ સિદ્ધ ખરી વાત તે અભેદ જાણવો એ જ છે, કેમકે એનાથી સુખ દુઃખ સર્વ ટળી જઈ કોઈક અનંત સુખનો ઉદય થાય છે. એ સુખ પામવું એ જ આપણા જીવિતનો હેતુ છે.

ત્યારે હવે નિતિ અથવા વ્યવહારનો નિયમ હાથ આવી શકશે. સારું શું તે સમજાશે. જેનું પરિણામ સારૂ તે કામ એમ પણ હવે કહીએ તો બાધ નથી, કેમકે, પરિણામ એટલે ક્ષણિક સુખરૂપ પરિણામ નહિ, પણ જે પરમ સુખરૂપ મોક્ષનો પરિણામ છે તે એમ સમજતાં એ નિયમ પણ બંધ બેસશે. જે આચરણથી કે વ્યવહારથી મોક્ષનું અભેદ એવું સ્વરૂપ બાંધેલું છે તેને કોઈ રીતે પણ બાધ ન થતો હોય તે આચરણ ને તે વ્યવહાર નીતિવાળાં છે એમ સમજવું. એ જ સત્યમાર્ગે ચાલનારાંનું કર્તવ્ય છે. જે ચેતન જીવરૂપે સર્વત્ર છે, તે પોતાનામાં પણ છે, તેનામાં કશું કપટ કે કાંઈ કલેષ સંભવતાં જ નથી, માટે કોઈ કર્તવ્ય તેને છેતરવા માટે કરવું એ મીથ્યા છે. એવાં મનુષ્ય આત્મદ્રોહી એટલે પોતાના આત્માનો ઘાત કરનારાં કહેવાય છે.

આપણાં શાસ્ત્રમાં જીવિતના હેતુ ચાર બતાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષનો અર્થ આગળ કહેવામાં આવ્યો છે. કામ એટલે સંસારમાં પરણી સૃષ્ટિ-પ્રજા ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ; તેમ અર્થ એટલે નિર્વાહ માટે ઉપાર્જન કરવાની પ્રવૃત્તિ; ને ધર્મ એટલે આચાર વિચારના નિયમો.