છે. એટલે તેનું કર્તવ્ય છે કે તેણે જેમ બને તેમ સર્વના ઉપર પ્રતિભાવ રાખવો અને પોતાનાથી થવાય તેટલાં પારકાને ઉપયોગી થવું. આવો પ્રીતિભાવ સર્વત્ર રાખવો જોઈએ. પણ જ્યાં જ્યાં એ પ્રીતિના ભેગું કોઈ ઉત્તમ ગુણને લીધે, માન પણ રાખવું યોગ્ય હોય, ત્યાં ત્યાં શ્રદ્ધા રાખવાની અપેક્ષા છે, અને માન સહિત પ્રીતિ અથવા શ્રદ્ધા રાખવી યોગ્ય છે; માન સહિત પ્રીતિ અથવા શ્રદ્ધા તેનેજ ભક્તિ કહેવાય છે.
ભક્તિ કોને ધટે છે? આપણને અને આખા જગતને ઘણામાં ઘણો લાભ કર્યો હોય, જેનાથી કોઈ મહા કામ સધાયું હોય તેને સર્વથી પ્રથમ ભકિત ઘટે છે. તો એ ઉત્તમોત્તમ તો એક પરમાત્માજ છે કે જેને લીધે આ જગત્ ઉભું છે, ને સુખી છે. આપણા હદયની, ઉત્તમમાં ઉત્તમ ભક્તિ તેના ઉપર ઠરવી જોઈએ. ઉત્તમ ભક્તિનો એજ મહિમા છે કે જેની ભક્તિ હોય તેની સાથે એકરાર થઈ જવું જોઈએ, ને તેના જેવાંજ કામ પણ કરવા જોઈએ. પરમાત્માની એવી ભક્તિ સર્વથી પ્રથમ કરવી; એક ક્ષણ પણ એવી ન જવી જોઈએ કે જે સમયે એ ભક્તિ આપણા અંતરમાંથી દૂર થઈ હોય. સંસાર પ્રતિ દૃષ્ટિ કરતાં પ્રથમ આપણી ભક્તિ આપણા માબાપને ઘટે છે. આખા જગતની ભક્તિ જેમ પરમાત્માને ઘટે છે, તેમ સંસારમાં પરમાત્માને સ્થાને આપણે આપણા માબાપ જાણવાનાં છે ને તેમને પરમાત્મા જેવી જ ભક્તિ ઘટે છે. ઘણાંક છોકરા એવાં હોય છે કે માબાપનો ઉપકાર વિસરી જાય છે, પોતાને તેમના કરતાં વધારે ડાહ્યાં થયેલાં જાણી તેમની અવગણના કરે છે. પણ એમ કરવું એ મહા પાપ છે. જે માણસના હૃદયમાં ભક્તિ ભાવ નથી, તે માણસ સ્વચ્છંદી, કુમાર્ગી, અને પાપી થવાનો બહુ સંભવ છે. નાનાં બાળકોએ તો જેમ બને તેમ ભક્તિભાવની ટેવ વધારવી, કોઈ સમય પણ “અહો ! એમાં શું !" એમ કશી ઉત્તમ વાતને તુચ્છકારવી નહિ. જેટલી જેટલી ઉત્તમ વાતો છે તે આપણને અગણિત ઉપદેશ આપવા સમર્થ થાય છે, એમના વિષે વિચાર કરવાથી આપણા મનમાં એમનામાં જે ઉત્તમ ગુણ હોય તેની છાયા પડે છે, ને એમ આપણે પણ ધીમે ધીમે તેમના જેવી ઉત્તમતાએ પહોંચી શકીએ છીએ. જે માબાપે પોતાનાં સુખ વિસારે પાડી આપણા માટે કષ્ટ વેઠયું છે, તેમનામાં બીજા ગમે તેટલા દુર્ગુણ હોય એમ ધારીએ તો પણ, તેમણે જે પોતાને ભુલી પારકાનું ભલું કરવાનું મહા કર્મ કર્યું છે તેટલું જ અનુકરણ કરવા યોગ્ય છે, ને તેથી તે ઉત્તમ પ્રકારની ભક્તિને પાત્ર છે.