પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
ગુરુભક્તિ

અમુક કુલમાં જન્મ્યાથીજ માન મળતું નથી, પણ તે કુલ જે ઉત્તમ ગુણોને લીધે ઉત્તમ કહેવાયું હોય છે, તે ગુણોનું દર્શન કરાવ્યાથી મળે છે. આમ માનના અનેક અનેક વિષય જગતમાં છે, પણ તેમાં સર્વત્ર માન જે મળે છે તે ગુણનેજ છે એમ નિશ્ચય છે. જયાં કોઇ ઉત્તમ ગુણ જોયો કે ત્યાં આપણી ભક્તિ પ્રેરવી જોઈએ. જે મનુષ્યોને તેમના ગુણને લીધે આપણી ભક્તિ યોગ્ય છે તે બધાં ગુરૂ કહેવાય છે, તેમાં પરમાત્મા સર્વથી મુખ્ય ગુરૂ છે, તેથી ઉતરતાં અનુક્રમે માબાપ, વિદ્યા આપનાર, જ્ઞાનદાતા અને પછી યથાયોગ્ય ગુણ પ્રમાણે બધું જગત. જેમ બધી વાતમાં વિવેક રાખવાની જરૂર છે તેમ ભક્તિમાં પણ છે. કાંઈક સ્વાર્થ સાધવાની ઈચ્છાથી, કે માત્ર સારાં કહેવરાવાની લાલચથી, જે ભક્તિનો ડોળ કરવામાં આવે છે, તે ખરી ભક્તિ નથી. અતિ નિર્મલ હૃદયથી, અને કોઈ પણ સંકોચ વિના છૂટા મનથી જે ભક્તિ થાય તે ધારેલું ફલ મેળવવામાં નિષ્ફલ થતી નથી; પણ જો તે ભક્તિ કેવલ નિસ્વાર્થ હોય, માત્ર ગુણ ઉપરના પ્રેમથી જ થયેલી હોય તો તેનું ફલ શું થાય તે વર્ણવી પણ શકાતું નથી. ઘણાંકને એવી ટેવ હોય છે કે જેની તેની જોડે બહુ નમ્રતાથી વર્તવું, જ્યાં ત્યાં હાથ જોડીને ઉભા રહેવું, બહુ ગરીબ સ્વભાવ છે એવાં જણાવું, પણ લાગ પડે ત્યારે નઠારામાં નઠારા આચાર કરવા તેમાં ક્રુરમાં ક્રૂર જણાવું. આવી બકવૃત્તિ તે ખરી ભક્તિ ગણાતી નથી. એ તો મહા પાપ છે. તેમ કોઇની પાસેથી સ્વાર્થ કઢાવી લેવા માટે તેની સ્તુતિ કરવા રૂપી ભકિત કરવી એ પણ તેનું જ રૂપાન્તર છે. ભક્તિ રાખવી એમ જે વારંવાર કહેવામાં આવ્યું છે, તેનો અર્થ એવો નથી કે આપણે આપણી બુદ્ધિને ઉપયોગ કરવો નહિ,આંખો મીચીને બીજાને વશ થઇ જવું; કે આપણા મનમાં જે વાત ન હોય તે પણ બીજાંને જણાવી છેતરવાં. જેમ એક પાસાથી આંધળી ભક્તિ કરી ગમે તે ખાડામાં ઉતરવું નહિ, તેમ બીજી પાસાથી આપણું મનમાં જે ભક્તિ હોય તેને ઢોંગ પણ કદાપિ કરવો નહિં. ભક્તિ નિત્યે ગુણને માટેજ હોવી જોઈએ, ને જેને ગુણ માનતાં હોઈએ તે યથાર્થ ગુણજ છે એમ આપણને ખાતરી થવી જોઈએ. એટલે ગુણને જે માન ઘટે છે તે આપવા જતાં, બુદ્ધિને આંધળી કરી નાખવા રૂપ દુર્ગુણનો, કે અપ્રમાણુિક થવા રૂપ જુઠનો, કદાપિ આદર કરવો નહિ.