પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
બાલવિલાસ.

જે મૈત્રી થાય તે પણ લાંબામાં લાંબી ટકે, બંનેના મરી જતા સુધી, કે મુવા પછી પણ, ચાલે, તો તેમાંથી ખરૂ સુખ સમજાય, અને અનુભવાય; તથા જે હેતુથી એ મૈત્રી કરવાની જગત રચના અને સ્વભાવ બેથી માણસને આવશ્યકતા છે તે હેતુ પણ પૂરેપૂરો સચવાય. અન્યોન્યને સહાય થવું, તેમ અન્યોન્યને વિનોદ કરાવવો, એટલોજ એ મૈત્રીનો હેતુ હજુ સુધી તમારા સમજવામાં આવ્યો હશે; પણ એથી અતિ ઉત્તમોત્તમ બીજો હેતુ પણ છે. ધર્મ વિષેને પાઠમાં જેને આત્મભાવ કહ્યો છે. એ જ માણસના જીવ્યાનુ ખરું સાર્થક છે એમ બતાવેલું છે, તો તે આત્મભાવનું મુખ્ય બંધારણ શું છે ? એનો મૃલ આધાર પ્રેમ છે. પ્રેમ એટલે શું તે આગળ કહેવાશે, પણ ટુંકામાં પ્રેમ એટલે આપણે અને જે આપણું ઇષ્ટ હોય તે બે વચ્ચે કેવલ અભેદ એટલે એકપણું થાય, એ છતાં એક થવાય, એ જ પ્રેમ એમ જાણવું. જ્યારે માણસ એક બીજા સાથે મૈત્રીથી જોડાય છે ત્યારે પ્રેમના મૂળાક્ષર ભણવાને આરંભ કરે છે. પ્રેમથી ઉલટી વૃત્તિ સ્વાર્થની છે, ને માણસમાત્ર ઘણું કરીને પ્રથમ સ્વાર્થી જ હોય છે, પણ ધીમે ધીમે સંબંધના બળે કરીને સ્વાર્થ તજી પ્રેમ શીખે છે. પ્રેમનો મુખ્ય દેવતા સંસારમાં તે સ્ત્રીજ છે, એટલે સ્ત્રી અને પુરુષની મૈત્રીનો મુખ્ય હેતુ એ ઠરે છે કે તેમાંથી ઉભયની સ્વાર્થવૃત્તિ ઘસાઈ જવા માંડે, અને પ્રેમવૃત્તિ દ્રઢ થાય, ને છેવટ ઉભયે આત્મભાવને પામે.

આ પ્રમાણે જેને સ્ત્રી અને પુરુષની મૈત્રી રૂપે આપણે વર્ણવીએ છીએ તેનેજ શાસ્ત્રમાં ને લોકમાં વિવાહ કહે છે; એને લગ્ન પણ કહે છે; એ બધાં નામના અર્થ સંસ્કારના પાઠમાં સમજાવ્યા છે. પણ વિવાહ એ શું છે, તેનો શો અર્થ છે, ને તેનો હેતુ શો છે, એ બતાવવા માટે આટલો વિચાર કર્યો છે. સ્ત્રી પુરષ પરણે છે તે શા માટે પરણે છે? એ પણ હવે ચોખી રીતે સમજાશે; અને સમજાયાથી પરણ્યા પછી તમારે કેવી રીતે તમારો ધર્મ સાચવવો તે પણ પરણવાનો હેતુ સમજ્યાં હશો, તો યથાર્થ સમજી શકશો. રઘુવંશમાં અજ રાજાએ પોતાની સ્ત્રીને ગૃહિણી, સચિવ, સખી, શિષ્ય એવાં વચનોથી વર્ણવી છે, તે પણ લગ્નનો જે હેતુ અહીં કહ્યો છે તે લક્ષમાં રાખીને જ કહી છે, જે તમારે પણ તે બધાં વિશેષણ યથાર્થ પામવાને યોગ્ય થવું. એ પ્રત્યેકનો શો અર્થ છે તે આગળ પત્નીધર્મના પાઠોમાં કહેવાશે.