પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯
સન્નારી-સીતા.

એવો નિશ્ચય કરો, કેમકે આ કન્યા કોઈ અદ્દભુત શક્તિ છે, એમ મારું મન કહે છે. આ વાત જનકે સ્વીકારી, અને પરશુરામ બદરિકાશ્રમ ભણી તપશ્ચર્યા માટે ગયા.

અયોધ્યામાં રાજા દશરથને કાંઈ સંતાન ન હતું; પણ યજ્ઞનારાયણને પ્રસન્ન કરવાથી તેને બહુ વૃદ્ધાવસ્થામાં ચાર પુત્ર થયા હતા, તેમાંના જ્યેષ્ઠનું નામ રામ અને બીજા ત્રણનાં નામ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એવાં હતાં. ચાર પુત્રને રાજાને યોગ્ય હોય તેવી વિદ્યા શિક્ષામાં કુશલ કરવામાં આવ્યા હતા, ને એ ચારમાંના જયેષ્ઠ પુત્ર રામ ઉપર ત્રણે ભાઈનો બહુ ભક્તિભાવ હતા, તેમ પિતાને તો તે પ્રાણુતુલ્ય જ હતા. બારેક વર્ષનું વય રામનું થયું હતું તેવામાં વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજા પાસે આવીને, સ્વાગત થયા પછી દક્ષિણામાં આ પ્રમાણે માગવા લાગ્યા. હે ગોબ્રાહ્મણ પ્રતિપાલ ક્ષત્રિયવર ! મેં યજ્ઞ આરંભ્યો છે, ને તેમાં ઋષિમુનિઓ ભેગા થયા છે, પણ રાવણાદિ રાક્ષસો યજ્ઞનું કાર્ય સંપૂર્ણ કરવા દેતા નથી, માટે તમારા પુત્ર રામ અને લક્ષ્મણને સાથે મોકલો કે તે રાક્ષસોને હણી અમારો યજ્ઞ પૂર્ણ કરાવે. દશ બાર વર્ષનાં કોમલ બાલક રાક્ષસોની સામા કેમ લઢી શકે એ વિચારથી આશ્ચર્ય સ્તબ્ધ થઈ ગયેલા દશરથથી કાંઈ ઉત્તર વાળી શકાયું નહિ; વળી પોતાના પ્રાણરૂપ રામનો વિયોગ પણ બહુ દુ:સહ લાગ્યો. પણ વસિષ્ઠ ગુરૂએ આજ્ઞા કરી કે વિશ્વામિત્ર જેવા ઋષિ બહુ દીર્ધદષ્ટિથી જ એવા બાલક પાસે વિકટ કાર્ય કરાવવાની ઈચ્છા રાખતા હશે, મહાત્માઓના પ્રસાદથી એક તૃણુ પણ મેરુવત્ થઈ શકે છે, તો રામ લક્ષ્મણને સુખે જવા દો. એટલે દશરથે બન્ને કુમારને યોગ્ય આયુધ સજાવી, આશીર્વાદ આપી, ચુંબન કરીને વિશ્વામિત્ર સાથે વિદાય કર્યો. વિશ્વામિત્ર આ કુમારોને, કુશાશ્વ ઋષિ પાસેથી માત્ર પોતાને એકલાને જ મળેલાં, અને અતુલ વીર્ય તથા પરાક્રમવાળા જુમ્ભકાસ્ત્રોને ઉપદેશ કર્યો, અને પિશાચના યૂથને સંહાર તેમને હાથે કરાવ્યો. રાવણની ભગિની તાટકા પણ એ પરાજયનો ભોગ થઈ, ને તેથી જ બાલક રામ ઉપર વૈર ધારણ કરી રાવણને તેમની સામો ઉશ્કેરવા લંકા ગઇ.

જનકપુરમાં વૈદેહી અથવા સીતા લગ્નકાલને યોગ્ય થઈ છે, ને જનક મહારાજ અતિ શોકાતુર છે કે શંકરધનુષને નમાવે તેવો પતિ મારી પુત્રીને કયાંથી મળશે? સીતાની પણ એવો નિશ્ચય થઈ ગયો છે કે પરશુરામે કરાવેલું પણ પળાય તે જ પરણવું, નહિ તો કૌમાર અવસ્થામાં જીવિત ગાળવું. જનકે દેશદેશના રાજાને કંકોતરીઓ લખી છે, ઋષિમંડલને પણ નોતર્યું છે,