પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
બાલવિલાસ.

લંકાનો રાવણ પણ બાકી નથી. એક પાસા કન્યારત્નને વરવાના ઉત્સાહથી અનેક રાજાઓ બીરાજ્યા છે; એક પાસા તાટકાને પ્રેરેલો રાવણ સ્ત્રીની લાલસાથી તેમ રામ ત્યાં હોય તો તેનું માનભંગ કરી વૈર વાળવાની ઇચ્છાથી રાક્ષસગણ સામે આવી બેઠો છે; એક પાસા ઋષિમંડલ સર્વને પ્રેક્ષકરૂપે વિજય પામનાર વરને આશીર્વાદ આપવા તત્પર થયું છે; ને એક પાસ કન્યાના પિતા હાથમાં જલ લઈ વરમાલ સહિત કન્યાને પાસે બેસાડી સજજ થઈ રહ્યા છે. પણ સીતાની મુખમુદ્રા કાંઈ ચિંતાતુર છે, કાંઈક પ્રેમાવેશવાળી છે, કાંઇ લજજાયમાન છે. શા માટે ? વિશ્વામિત્ર ઋષિ રામલક્ષ્મણને લઇને અયોધ્યા જતાં મિથિલામાં આવ્યા હતા, ને સીતાએ અંબાનું પૂજન કરવા જતાં રામનું અલૌકિક દિવ્યરૂપ જોઈ તેને જ મનથી પોતાનો સ્વામી વર્યો હતો. એ રામ અત્યારે સ્વયંવરમાં છે. પણ એ બાલક ધનુષ શી રીતે ચઢાવશે. એ વિચારથી એને ચિંતા થાય છે, વિશ્વામિત્ર જેવા મહાત્માનો હાથો છે તે બધું થશે એમ વિચારી પ્રેમનો આનંદ થાય છે, ને એ મારા સ્વામી થશે જ એમ ગણી એમના સામું જરાક જોઈને શરમાય છે. આવો સમારંભ થઈ રહ્યો છે ત્યાં જનક રાજાના ભાટે વચમાં આવી એક એક રાજાને બરદાવવા માંડયા પણ કોઈ ધનુષને હાથે અરાડવા ઉભું થયું નહિ. બહુ બરદાવતાં કેટલાક આવવા લાગ્યા પણ કોઈ ધનુષને જોઈને, કોઈ તેને અડકીને, કોઈ તેને હલાવીને, ને કોઇ તેનાથી અંબળાઈ પડીને, એમ સર્વ ફીકે મુખે પાછા જવા લાગ્યા. અતિ ગર્વમાં ઉન્મત્ત થઈ ગયેલો રાવણ ઉભો થયો, અને તેણે શંકરના ધનુષને ઉચું કર્યું, કન્યાના મનમાં ત્રાસ, ને તેના પિતાના મનમાં પરિતાપ થઈ ગયો. પણ એ જ સમયે ધનુષ નીચે પડયું ને રાવણ તેની તળે દબાયો, બધો મંડપ ખડખડાટ હસી પડ્યયઓ, વિશ્વામિત્રે આજ્ઞા કરવાથી રામ આ પ્રસંગે તેમને નમસ્કાર કરી, પોતાના કુલગુરુ વસિષ્ઠ જે ત્યાં આવ્યા હતા તેમને નમસ્કાર કરી ધનુષની પાસે આવ્યા. ધનુષને વંદન કરી તેમણે તે પોતાના હાથમાં લીધું, અને પણછ ખેંચી જેવું ચઢાવ્યું તેવા જ અનેક મેઘગર્જના જેવો ટંકારવ થઈ તેના કટકે કટકા થઈ ગયા. મંડપમાં વિજયના નાદ થઈ રહ્યા, કન્યાએ અતિ હર્ષથી વરમાલા આરોપી, અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, જનકે દશરથ રાજાની જાન તેડાવી રામ અને સીતાનાં લગ્ન કર્યો, અને બીજી અનેક પહેરામણી ભેગી, પોતાના ભાઈની બીજી કન્યાઓ પણ રામના બે ભાઇઓને પરણાવી.

હજુ હાથેથી કાંકણદોરા છૂટયા નથી, ને જાન અયોધ્યા માર્ગે