લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
 

આ લેખ નવો યોજવાને કારણ મળેલું છે. આમાં ચારિત્ર ઉપરાંત ધર્મ તથા સન્નારી ચરિત્ર અધિકમાં ઉમેરેલાં છે, ચારિત્રનો લેખ પણ અન્ય રીતે વિભાગ પાડીને પુનઃ લખ્યો છે, અને વિશેષે કરી સ્ત્રીઓને ઉપયોગી થાય તેવે આકારે ગૃહ, વ્યવહાર, નીતિ, ધર્મ, અને સન્નારીચરિત્રના પાઠની યોજના કરી છે. ચારિત્રમાં જ્યારે ૧૪ પ્રકરણ છે ત્યારે આમાં આશરે ૮૦ પાઠ છે. નાની વયમાં બાલકોને, તથા સવિશેષે સ્ત્રીઓને ઉપયોગી થવા ધારેલા આ લેખને પાઠના આકારમાં લખ્યો છે.

સંકલના એવી છે કે પરણતા પૂર્વની અવસ્થામાં જે બાલક-વિશેષે કરી કન્યાઓ હોય તેમને સારુ. પ્રથમ વિભાગ ઉપયોગનો છે; પરણીને પિતા કે માતા થતા સુધીની અવસ્થાને બીજો વિભાગ ઉપયોગનો છે, પિતામાતા થયેલાને ત્રીજો વિભાગ ઉપયોગનો છે; અને તેથી અધિક વયની સ્ત્રીઓને ત્રણે ભાગ આવશ્યક છે. એટલું લક્ષમાં રાખવાનું છે કે સરકારી શાલામાં ચાર કે પાંચ ચોપડી ભણી ગયેલા બાલકને આ પુસ્તક ઉપયોગી થાય તેવું છે, તેથી ઓછી શક્તિવાળાને નહિ. સરકારી શાલાઓમાં જે શિક્ષણ આપવામાં આવે છે, તેમાં નીતિનું શિક્ષણ અપાતું નથી એવું સર્વત્ર માન્ય થયું છે; અને ધર્મ-આપણા ધર્મનું તત્ત્વ તો લેશ પણ સમજવામાં નથી આવતું, એ અનેક અનર્થના નિદાનરૂપે પ્રસિદ્ધ થઈ ચુકેલું છે. આ ઉભય ન્યૂનતા પૂર્ણ કરવી, અને નીતિ તથા ધર્મનાં ઉત્તમ દષ્ટાન્તરૂપ ચરિત્ર પણ બતાવવા એ આ લેખનો મૂખ્ય ઉદ્દેશ છે. લેખ કદાપિ મુખ્યત્વે કરી સ્ત્રીઓ માટે યોજેલો છે, તથાપિ પુરૂષોને પણ નીતિ અને ધર્મના વિષય પરત્વે બહુ ઉપયોગી છે. પ્રત્યેક માતાને, પ્રત્યેક પિતાને, પ્રત્યેક શિક્ષકને, જે ખોટ હાલના શિક્ષણક્રમમાં વારંવાર લાગ્યા કરે છે, તે પૂર્ણ કરી આપવાનો મારો ઉદ્દેશ છે.

આ લેખ આવા આકારે છપાવવાનો પ્રસંગ કેમ ઉપજી આવ્યો એ વિષયે અત્ર કાંઈ ચર્ચા કરવી અપ્રાસંગીક છે. અન્યત્ર તેનો વિસ્તાર કર્યો છે, જે જિજ્ઞાસુ સ્ત્રીપુરુષો જોઈ શકશે. કેળવણીખાતા સાથેના લાંબા સબંધની તથા સરકારી શાલાઓનાં ધોરણમાં અને વાચનમાલામાં ફેરફાર કરાવવાની ચર્ચા આજ દશ કરતાં વધારે વર્ષથી ચલાવવામાં કરવા પડેલા વિચારથી, આ લેખ ઉપજી આવે છે એટલું જ કહેવું અત્ર પૂર્ણ છે.

નડિયાદ,
૧૩-૦-૯૩
મ. ન. દ્વિવેદી.
}