સતીપણું સંપાદન કરવું, પતિ અને ગુરુજન સર્વની આ પ્રમાણે સેવા કરી તેમને નિરંતર સંતોષવાથી, કુટુંબમાં શાન્તિ વધશે ને સર્વ સુખ એની મેળે ચાલ્યાં આવશે, પરણેલી સ્ત્રીનું પ્રથમમાં કર્તવ્ય આટલુંજ છે.
પતિસહિત સર્વ ગુરુજનને સંતોષવા પછી, જે સોક્ય હોય તેના ઉપર કેવી દષ્ટિ રાખવી તે કહે છે. રાજાને ઘેર શકુન્તલા જવાની હતી એટલે સોકય હોવાનો સંભવ જાણી ઋષિએ કહ્યું છે કે સોક્ય હોય તો તેમને પણ પોતાની પ્રિય સખીઓ જેવી ગણવી. આમ કહેવામાં અર્થમાત્ર એટલો જ છે કે મનમાં કશી ઇર્ષ્યા કુટુંબમાં કોઈના પ્રતિ રાખવી નહિ. આપણને જે મળતું હોય તેને, આપણા કુટુંબનાં બીજાં સ્ત્રી પુરુષને જે મળતું હોય તેની સાથે સરખાવીને મનમાં ઓછું આણી આણી કલેષ પામવો નહિ. આપણને જે મળ્યું છે તે યોગ્ય જ છે, ને આપણી યોગ્યતા વધારે થશે તેમ વધારે મળતું જ જશે, એવો નિશ્ચય સંતોષપૂર્વક મનમાં ઠસાવી, સર્વ સાથે પ્રિયસખી જેવો ભાવ રાખવો, અને પ્રેમમાર્ગથી લેશ પણ ચળવું નહિ. એથી ઉલટું કરવામાં માત્ર કંકાસ વધે છે. આપણે સર્વને અકારાં થઈએ છીએ, ને છેવટ સુખમાત્ર ખોઇ બેસીએ છીએ. ઉત્તમમાં ઉત્તમ આભૂષણ પોતાનો ખરો પ્રેમધર્મ પાળી ગુણવાન થવું એના જેવું સ્ત્રીને બીજું કશું નથી.
આ પ્રમાણે વર્તતાં છતાં કોઈ કારણથી પોતાનો પતિ કે પોતાનાં ગુરુજન કવચિત્ આપણી અવજ્ઞા કરતાં જણાય, કવચિત કોપ કરી બે વચન કહે, તો પણ મનમાં ક્રોધ આણી કશું વિરુદ્ધ એટલે પતિનાથી કે ગુરુજનની વિરુદ્ધ કરવું કહેવું નહિ. એવે સમયે ઉદાર સહનશીલતાથી વાત ગળે ઉતારી વિસારે પાડી લેવી, ને આપણામાં કાંઈ ખામી હોય તો તે તુરત સુધારી લેવી. જે ડાહ્યાં માણસ છે તે પોતાના દોષ સમજે છે, ને કોઇ તે બતાવે છે તેના ઉપર ક્રોધ ન કરતાં તેને સુધારી લેવા નિરંતર તત્પર રહે છે. એમ ઉદારતા અને સહનશીલતા રાખ્યાથી સામું માણસ પણ ઠંડુ પડે છે ને પ્રસન્ન થાય છે, એટલે કશું માઠુ પરિણામ પેદા થતું નથી. સ્ત્રીઓનો સ્વભાવ ઘણો રીસાળ અને ક્રોધવાળો હોય છે, પણ તેમાં ક્રોધ અથવા રીસનું યોગ્ય કારણ ન છતાં પણ ઘણીક સ્ત્રીઓ એવો નઠારો સ્વભાવ રાખે છે એ બહુ ખોટું છે. ને જે સારી સ્ત્રીઓ છે તે તો ક્રોધ કે રીસનું કારણ હોય તોપણું સહન કરી કદાપિ બીજાને ખોટું લગાડતી નથી, તેમ મનમાં કશો દ્વેષ રાખતી નથી.