પૃષ્ઠ:Bansari.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨:બંસરી
 


વ્રજમંગળાએ પાછળથી મને સંબોધન કરીને કહ્યું. વાતચીત દરમિયાન હું ખુરશી ઉપર બેસી ગયો હતો. જ્યોતીન્દ્રના ઘરમાં મને કદી પારકું લાગ્યું નથી. નામના લંબાણ સંબંધી તકરારમાં ભાગ લેવાની મારી જરા પણ ઈચ્છા નહોતી. મારે જ્યોતીન્દ્રને એકાંતમાં મળવું હતું. પરંતુ મારી ગમે તેટલી ઈચ્છા હોય તોય. વાત અડધેથી તોડી પડાય નહિ એમ ધારી મેં બંનેને સારું લગાડવા પ્રયત્ન કર્યો.

'જ્યોતિને વખતની તો તલપૂરે પરવા નથી; એ તો ખોટું બહાનું છે. પણ નામ ટૂંકાં જોઈએ એ એની વાત ખરી છે.’

'તો પછી તું તારી ભૂલ સુધાર. એનું આખું નામ શાનો દે છે ? હું તો ઘણી વખત એનું નામ જ ભૂલી જાઉં છું. વ્રજ યાદ રાખવાને કૃષ્ણ સંભારી રાખું છું અને મંગળાને માટે મંગળવાર યાદ કરું છું. પણ તેમાં ભારે ગોટાળો થઈ જાય છે ! એક દિવસ એક જણે મને એનું નામ પૂછ્યું. કૃષ્ણમાંથી બંસરી યાદ આવી અને મંગળને બદલે ગુરુવાર યાદ આવ્યો. એટલે છબરડો વાળીને મેં એનું નામ કહ્યું, ગુરુબંસરી !’

જ્યોતિએ આટલું લાંબું વ્યાખ્યાન કર્યું, પણ હું તો ચમકી ઊઠ્યો. તેના મુખ ઉપર સ્મિત હતું. હું જે વાત કરવાને આવ્યો હતો. તે જ વાત તરફ એ મને યુક્તિથી દોરતો હતો કે શું ? હું બંસરી વિષે જ વાત કરવા આવ્યો હતો. બંસરી મારી પ્રિયતમા ! એને હું જીવ સાટે ચાહતો હતો. રાતમાં તેનું ખૂન થયું હતું. સવારમાં ખબર પડતાં બરાબર મારા દેહમાંથી જાણે મારો જીવ ઓસરી જતો હોય એમ મને લાગ્યું. આ ખબર કહેવા આવનારનું હું ખૂન કરી નાખત, પરંતુ મારા શરીરની બધી જ શક્તિ હણાઈ ગઈ હતી. ખબર સાંભળતાં જ હું ખુરશી ઉપર બેસી ગયો. હું પૂરા ભાનમાં છું કે નહિ તેની ખાતરી કરવા મેં મારા હાથ ઉપર ચીમટીઓ દીધી. વધારે વખત આમ ને આમ હું બેસી રહીશ તો મારું ચિત્ત ફટકી જશે એવી મને બીક લાગી. બંસરીનું ખૂન ! ઘડી ઘડી હું ચમકી ઊઠતો. દસેક ક્ષણમાં તો મને દસ જિંદગીનાં ઝેર વ્યાપી ગયાં. મારે એક જ સ્થળનો આશ્રય લેવાનો હતો. આઘાતથી શૂન્ય બની જતા મનને જ્યોતીન્દ્ર યાદ આવ્યો. એ મારા ફિલસૂફી મિત્રને ગુનાઓ અને ગુનેગારો વિષેના વાચનનો ઘણો શોખ હતો. કોઈ ભયંકર ગુનાની વિગત વર્તમાનપત્રમાં વાંચતાં તે ઘણી વખત ‘વાહ!' એવો ઉદ્દગાર પણ કાઢતો. ત્રણેક વર્ષ પરદેશ રહી, ફ્રાન્સ, ઈંગ્લંડ અને અમેરિકાની છૂપી પોલીસમાં શિક્ષણ લઈ, ઘણી માહિતી તે મેળવી આવ્યો હતો; એટલું જ નહિ પણ સારો સંબંધ હતો. નિષ્ણાત ડિટેક્ટિવો સાથે તેને પત્રવ્યહારનો પણ સારો સંબંધ હતો. હિંદમાં આવ્યા પછી તેણે કાંઈ ગુના