પૃષ્ઠ:Bansari.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોનું ઘર ? :૯૩
 

કબૂલ કરું છું, પરંતુ મોટે ભાગે દર્દીઓને ધમકાવવાની ડૉક્ટરોને ટેવ પડી ગયેલી હોય છે. એક, બે અને ત્રણ પ્રશ્નનો ઉત્તર આપતાં તો ડૉક્ટર સાહેબો કંટાળી જાય છે. અને દર્દીના શરીર અને મનની સ્થિતિ દર્દી કરતાં પણ વધારે સારી રીતે સમજી ગયા હોવાના ઘમંડમાં તેઓ એવું ઇચ્છે છે કે દર્દીઓ વાચા બંધ કરી મૂંગાં પ્રાણીઓ બની જાય તો સારું. જ્યારે કોઈ ડૉક્ટરને આ બાબત ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેઓ જાણે પોતાના કોઈ જન્મસિદ્ધ હક્ક ઉપર તરાપ વાગતી હોય એમ ધારી મુંબઈ કે શિકાગોના એકાદ ભારે સર્જનનું નામ આગળ કરી તેનું દૃષ્ટાંત આપે છે કે, ‘ડૉક્ટર જો ગુસ્સે થાય તો દર્દીને છાતી ઉપર મુક્કો લગાવે એટલું જ નહિ, પણ સામે ઊભેલા મદદનીશ ડૉક્ટર અગર નર્સોને ઓજારો પણ છૂટાં મારે છે !’ દર્દીઓની પીડા હરવાનું ધ્યેય રાખી બેઠેલા કોઈ સમર્થન સર્જનને દર્દીઓની છાતી ઉપર મુક્કા લગાવતો અને પોતાના કાર્યમાં સહાય આપતા નાના ડૉક્ટરો તથા નર્સોની ટોળી ઉપર ચારે પાસથી ઓજારો ફેંકી તેમની ફરજોનું તેમને ભાન કરાવતો કલ્પનામાં ખડો કર્યા પછી બીજા સામાન્ય ડૉક્ટર-વૈદની તોછડી વર્તણૂક દરેક દર્દી સહન કરવા બંધાયેલો છે. હું પણ તેવી જ વૃત્તિ ધારણ કરી જરા શાંત રહ્યો.

થોડીઘણી સૂચનાઓ આપ્યા પછી ડૉક્ટર ચાલ્યા ગયા; હું અને વ્રજમંગળા એકલાં પડ્યાં. મારી તેઓ એવી રીતે સારવાર કરતાં હતાં કે મને તેમને માટે આભારની લાગણી હતી તેના કરતાં સો ગણી વધી ગઈ. ડૉક્ટરની સૂચના પ્રમાણે મારે કાંઈ બોલવું નહોતું જોઈતું, છતાં જ્યોતીન્દ્રને માટે મને એટલો બધો ઊંચો જીવ રહ્યા કરતો હતો કે મારાથી વાત કર્યા સિવાય રહેવાયું નહિ.

‘મંગળાબહેન ! હું ફરી પૂછું કે જ્યોતીન્દ્ર ક્યાં છે ?'

‘તમને જરા પણ વાત કરવા દેવાની ડૉક્ટરે મના કરી છે.'

‘મને માત્ર એટલો જવાબ આપો; પછી હું શાંત રહીશ.’

‘એ ક્યાં છે તેની મને ખબર નથી.' જરા ઉદાસ મુખ કરી વ્રજમંગળાએ જવાબ આપ્યો.

‘કેટલા દિવસથી ખબર નથી ?’

‘ત્રણેક દિવસ થયા.’

‘હું અહીં ક્યારે આવ્યો ?’

'ત્રણ દિવસથી.'

‘મને અહીં કોણ લાવ્યું ?’