પૃષ્ઠ:Bansari.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪: બંસરી
 


‘પોલીસના માણસો લાવ્યા. પણ હવે તમે વધારે વાત કરશો નહિ.’

‘તમે વાત કરવાની ના કહો છો. પરંતુ જ્યોતીન્દ્રને મેં છેલ્લો કઈ સ્થિતિમાં જોયો તે ખબર છે?' મેં જરા ઉશ્કેરાઈને કહ્યું.

'ના, મને ખબર નથી. તે રાત્રે તમને ખોળવા તેઓ ગયા હતા એટલું જ હું જાણું છું.'

‘પછી એ ઘેર આવ્યો જ નથી ?’

‘ના.’ વ્રજમંગળાના મુખ ઉપર ચિંતાનાં ચિહ્નો સ્પષ્ટ દેખાયાં. મને મારી ગંભીર સ્થિતિનો ખ્યાલ રહ્યો નહિ. મેં જરા રહીને વાત પછી ચાલુ કરી :

‘તમે તપાસ કરાવી ?’

‘શું કામ ? મને કહી ગયા હતા કે મારે ઊંચો જીવ કરવાનો નથી. એ તો ગમે ત્યાંથી આવશે.'

‘અરે શું ગમે ત્યાંથી આવશે ! તમે પહેલાં કમિશનર સાહેબને ખબર આપો કે જ્યોતીન્દ્રનો પત્તો કાઢે.’

'એવું શું છે?’

મેં તેમને પૂરી હકીકત કહી નહિ, પરંતુ મને કમકમી આવી. જ્યોતીન્દ્ર જરૂર એ યંત્રમય માળની છત સાથે કચરાઈ ખતમ થઈ ગયો હશે, અને તેના શબને ઓળખવાની પણ કોઈનામાં શક્તિ રહેશે નહિ એવી મારી ખાતરી થઈ. ત્રણ દિવસ સુધી તેનો પત્તો લાગ્યો નથી. એ જ મારા ભયને ખરો પાડનાર પ્રસંગ હતો એમ મને લાગ્યું.

અને પેલાં બે સંગીન ? મેં પોલીસની પાસેથી ઝૂંટવી લઈને અંદર ફેંક્યાં હતાં તે ? મેં શું જોઈને એ તેના હાથમાં આપ્યાં ? મોતનું એક સાધન તો માથે ઝઝૂમતું હતું તેમાં મેં બીજા સાધનોનો ઉમેરો કર્યો ! પરંતુ મેં જે કર્યું હતું તે એક રીતે ઠીક જ કર્યું હતું. કર્મયોગીના ભયંકર યંત્રની વચ્ચે કચરાઈ મરતા પહેલાં પોતાને હાથે જ મરવું એ શું વધારે સારું નહોતું ? દુશ્મનની તલવાર માથે ઝઝૂમી જ રહી હોય, એ તલવારનું નિવારણ કરવાનો એક્કે રસ્તો ન હોય, તેવે વખતે એ તલવારથી મરવા કરતાં પોતાને જ હાથે છાતીમાં છરો ભોંકી મરવું વધારે યોગ્ય નથી ? જ્યોતીન્દ્ર જેવા માની પુરુષે કચરાઈ મરતા પહેલા સંગીનથી આપઘાત કર્યો જ હશે !

ત્યારે શું જ્યોતીન્દ્રનો આમ અંત આવ્યો ? અને તે કોને માટે ? મારા સંરક્ષણ અર્થે ફરતાં તેનો જીવ ગયો. અને હું સ્વાર્થી જીવતો રહી તેની અજાણી પત્નીની સારવાર લઉં છું !