પૃષ્ઠ:Bansari.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮:બંસરી
 

જ લાગણી હતી અને તેને લીધે જ મને અત્યાર સુધી કમિશનરે છૂટો રહેવા દીધો હતો, એટલે તેમણે જ્યોતીન્દ્રને ટેલિફોન ઉપર બોલાવ્યો. પરંતુ એ તો અદ્દશ્ય થઈ ગયો હતો. રાત્રે ગયા પછી એ પાછો ફર્યો જ નથી એવા તેનાં પત્નીએ ખબર આપ્યા એટલે કમિશનરે ખાસ કહ્યું કે મારી સંભાળ માટે કોઈ અંગનું માણસ મૂકવાની જરૂર છે. વ્રજમંગળાએ પોતે જ કેદખાનાના ઔષધાલયમાં આવવાનું કહ્યું અને પોલીસ કમિશનરે તેમને માટે સગવડ કરી આપી, તેમ જ મને એક સારામાં સારો ઓરડો આપ્યો.

હું ત્રણ દિવસ બેભાન રહ્યો ત્યાં સુધી વ્રજમંગળા સતત મારી પાસે જ રહ્યા અને તેમની સારવારને પરિણામે હું જીવતો રહ્યો. ડૉક્ટરે ત્રણ દિવસ સુધી તો મારી આશા મૂકી જ દીધી હતી. પરંતુ જ્યારે મારામાં ભાન આવ્યું. ડૉક્ટરોને અને વ્રજમંગળાને ખાતરી થઈ કે હવે મૃત્યુ પાછું હડસેલાયું છે. મને તેનો આનંદ જરા પણ થયો નહિ. જયોતીન્દ્રને પણ સપડાવનાર ભયંકર કર્મયોગીએ જ મને આ જાળમાં સપડાવ્યો હતો. બંસરીનું ખૂન કરનાર તરીકે હું જ પુરવાર થઈશ, અને પાછો જીવ્યો તો ફાંસીએ ટીંગાઈ મરીશ, એવી મારી હવે ખાતરી થઈ ગઈ. એ ખાતરી થતાં મારા સાજા થવાનો આનંદ ક્યાં રહી શકે ?

મને ન સમજાયું એટલું જ કે મારે માથે બંસરીના ખૂનનો આરોપ લાવવાનો હેતુ શો હશે ? મેં કોઈકનું એટલું બધું બૂરું કર્યું નહોતું કે જેથી મારે માથે દુશ્મનો ઊભા થાય. બંસરીએ કોઈને એવું કશું જ કારણ આપ્યું નહોતું કે જેથી કોઈ તેનું ખૂન કરવા ઉશ્કેરાય. મારી સાથે તેનું લગ્ન કરવાનું છે એ વાત લાંબા વખતથી જાણીતી થઈ ગયેલી હતી; લગ્નનો પ્રસંગ લંબાવવાનો આગ્રહ પણ મારો જ હતો. પછી આવી રીતે બંસરીનું ખૂન થાય જ શી રીતે ? અને કદાચ તેમ થયું તો તેમાં મારું નામ શા માટે આવે?

પહેલે દિવસે તો જ્યોતીન્દ્ર સાથે હતો; જ્યારે એ સાથે નહોતો ત્યારે શરીરમાં બળ હતું. પરંતુ હવે ? માથે આવેલા આરોપને ઘણી રીસ સાથે દૂર કરવા હું મથ્યો અને ચોવીસ કલાકના અનેક વિચિત્ર અનુભવો કરી, છેવટે અશક્ત બની હું કેદી થયો અને કેદીઓના દવાખાનામાં પડ્યો. મારું મન તદ્દન નરમ બની ગયું. શરીરમાં તો જોર હતું જ નહિ; એટલે માત્ર મારી આ સ્થિતિ થવાનાં કારણોની કલ્પના કર્યા કરી હું સમય ગાળતો. એક્કે વિચાર, એક્કે કલ્પના મારી ગૂંચવણનો સંતોષકારક ઉકેલ કરી શકતા નહિ.

હું રોજ જ્યોતીન્દ્રની ખબર પૂછતો પરંતુ જરા દિલગીરી બતાવી વ્રજમંગળા પોતાને કશી માહિતી ન હોવાનું જણાવતાં. મારી તો ખાતરી જ