પૃષ્ઠ:Bansari.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનસિક ઘેલછા: ૧o૧
 


હું આ પ્રશ્નની અંદર સમાયેલો અર્થ સહન કરી શક્યો નહિ. મારું શરીર અને મન અસ્વસ્થ હતું જ, તે આવા ગર્ભિત આક્ષેપોથી હજારગણું અસ્વસ્થ બની ગયું. ક્રોધથી હું કંપવા લાગ્યો અને મોટેથી બૂમ મારી ઊઠ્યો:

‘એટલે જ્યોતીન્દ્રનું ખૂન પણ મેં કર્યું છે એમ તમારે કહેવડાવવું છે, ખરું ને ? જાઓ. મેં બધાંનું કર્યું છે અને હજી તમારાં અને બીજા કંઈકનાં ખૂન કરવાનો છું ! બસ ?’

ડૉક્ટરે અને હિંમતસિંગે ફરી એકબીજાની સામે જોયું અને વ્રજમંગળાની તરફ તેઓ ફર્યા. તે તો આાંખે રૂમાલ દાબી રહ્યાં હતાં. મારા જીવને આ પ્રસંગે જેવો ક્લેશ થયો તેવો ક્લેશ કદી પણ થયો નથી. મારી તરફ ખૂની તરીકે જ તેમની હવે દૃષ્ટિ પડતી હશે ? હું શું કરું ? ક્યાં જાઉં ? કોને મારા મનનું દુઃખ કહું? કોઈનું પણ ખૂન મેં કર્યું નહોતું ને છતાં મારે માથે વારાફરતી આરોપો આવ્યો જ જાય છે !

મેં મારા કપાળે હાથ પછાડ્યો અને હતાશ થઈ હું ખાટલામાં પડ્યો. ડૉક્ટર અને હિંમતસિંગ પાછા ફરવા લાગ્યા. પરંતુ વ્રજમંગળા ત્યાં ને ત્યાં જ ઊભાં રહ્યાં.

હિંમતસિંગે કહ્યું :

‘આપ ચાલો, એની પાસે બહુ ઊભાં રહેશો નહિ.’

એટલે એમ કે હું ગાંડો ખૂની પાછો વ્રજમંગળાનું ખૂન કરીશ ! કેવો હૃદય ભેદક આક્ષેપ ?

‘મંગળાબહેન !’ મેં કહ્યું, ‘કોઈનું કશું જ સાચું માનશો નહિ. મારી આશાના સોગન જો મેં કોઈનું પણ ખૂન કર્યું હોય તો !’

હિંમતસિંગે અશ્રદ્ધાભર્યું હાસ્ય કર્યું. તેના હસતા મુખ ઉપર એક તમાચો મારવાનું મને મન થયું. એ મારું મન ડૉક્ટરે તેમ જ હિંમતસિંગે પારખ્ય હોય તે પ્રમાણે બંનેએ એકબીજાની સામે જોયું અને ડૉક્ટરે કહ્યું :

‘તમે કહો છો તેમ જ છે. કોઈ જાતનો mania - ઘેલછા તો છે જ.’

દર્દીની સમક્ષ દર્દીનો રોગ અને તેની ભયંકરતા ખુલ્લા દિલથી પ્રગટ કરનાર વૈદ-ડૉક્ટરો એક ભયંકર ગુનો કરે છે એમ હું માનતો. પરંતુ આવી રીતે નિષ્ઠુરતા દર્શાવ્યાથી દર્દીના ઉપર શી અસર થતી હશે તેનો મને અત્યારે અનુભવ થયો. મને એક વખત તો લાગ્યું જ કે મારું મન ખસી ગયેલું જ હશે ! મને એમ પણ લાગ્યું કે મને ખબર ન પડે એવી કોઈ બેભાન અવસ્થામાં મેં આરોપ મુકાયલાં ખૂનો ખરેખર કર્યા તો નહિ હોય ?