પૃષ્ઠ:Bansari.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આપઘાત:૧૦૩
 


‘ત્યારે ડૉક્ટર સાહેબ ! આપ એમ માનો છો કે આરોપીને હવે તેના આરોપો વિષે પૂછવામાં કાંઈ હરકત નથી ?' હિંમતસિંગે પૂછ્યું.

‘ના.’ ડૉક્ટરે કહ્યું.

ગુનેગારોને સજા કરી પછી તેમના ગુનાઓની સજા કરવામાં ભારે અર્થ રહ્યો હોય એમ મને લાગ્યું. સાજે શરીરે ગુનાની શિક્ષા બરાબર ભોગવી શકાય !

‘સુરેશ ! હું બહુ દિલગીર છું કે તમારા જેવા પરિચિત અને ભણેલા તેમ જ પ્રતિષ્ઠિત ગણાતા ગૃહસ્થ વિરુદ્ધ મારે તપાસ કરવાનો પ્રસંગ આવ્યો. પરંતુ એ પ્રસંગ આવ્યો એટલે મારે મારી ફરજ બજાવવી જ જોઈએ. એ ફરજ બજાવતાં મારી પાસે એવા પુરાવા થયા છે કે બંસરીનું ખૂન તમે જ કર્યું છે એમ પ્રથમ દર્શનીય સાબિત થઈ શકે એવી છે. હું એમ નથી કહેતો કે તમે તમારો ગુનો કબૂલ કરો, પરંતુ જો તમે ગુનો કર્યો હોત તો તે કબૂલ કરી દેવામાં જ ડહાપણ છે.' હિંમતસિંગે એક લાંબું ભાષણ કર્યું.

ગુના કબૂલ કરાવવા માટે પોલીસ તરફથી કેટલો જુલમ કરવામાં આવે છે તેની મને જાતમાહિતી નહોતી; પરંતુ એ જુલમની વાતો મેં સાંભળી હતી, એ જુલમને વશ મારે નહિ થવું પડે એમ શા ઉપરથી ?

‘હું કબૂલ ન કરું તો મારા ઉપર જુલમ તો ગુજરશે જ. પછી...' મેં કહ્યું. પરંતુ મને બોલતો અટકાવી હિંમતસિંગે કહ્યું :

‘તમારા ઉપર જુલમ ગુજારવાની જરા પણ જરૂર નથી. તમે કબૂલ કરો અગર ન કરો, એમાં અમને લાભ હાનિ નથી. તમારા વિરુદ્ધ પુરાવો જ એટલો બધો છે કે તમારી કબૂલાત માટે અમારે આગ્રહ રાખવો નથી. આ તો રીતસર તમને પૂછવું પડે એ માટે પૂછ્યું.’

મારા વિરુદ્ધ શો પુરાવો પડ્યો છે તેની મેં માહિતી માગી. હિંમતસિંગે તે માહિતી ન આપતાં મને એટલું જ કહ્યું કે બંસરીના ખૂન સંબંધમાં મારો શો હિસ્સો હતો. એ જ મારે જણાવવું. મારો શો હિસ્સો હતો? મેં જરા વિચાર કર્યો. મારા વિરુદ્ધ પુરાવો જ હોય તો પછી હું ના કહું તેથી શું વળશે? મારી સ્થિતિ એવી નહોતી કે હું ભારે લવાજમ આપી સારામાં સારા વકીલને રોકી શકું. ખરી વાતને ખોટી પુરવાર કરવી અને ખોટી વાતને ખરી મનાવવી એ કળા વકીલોને સાધ્ય હોય છે. એ કળામાં જેવી વકીલની આવડત તેવી તેની કિંમત. હું તો વકીલને કાંઈ પણ આપી શકું એમ નહોતું. મારી સહાયમાં કોણ ? જ્યોતીન્દ્ર હતો તે તો... એ વિચાર આવતાં જ હું હતાશ બન્યો. વળી એના માથે આાળ મૂકતાં પોલીસ ચૂકી નહોતી, એટલું જ નહિ પણ બિચારાં વ્રજમંગળાની સમક્ષ મને ગુનેગાર