પૃષ્ઠ:Bansari.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪:બંસરી
 

ઠરાવી દીધો હતો ! હું ખરેખર નિરાશામાં ડૂબી ગયો; અતુલ નિરાધારપણું અનુભવવા લાગ્યો. નિરાશાને અંધકાર કેમ કહેતા હશે તે મને આ વખતે જ સમજાયું. મારો સ્વાર્થ શામાં છે તે સમજવાની પણ મારામાં શક્તિ રહી નહોતી. જેમ શારીરિક દુર્બળતા માણસને પરાધીન બનાવે છે, તેમ માનસિક શિથિલતા પણ તેને અતિશય પરવશ બનાવે છે. મારું શરીર અને મન બંને અશક્ત હતાં. એ સ્થિતિમાં જે કાંઈ થાય તે સહન કરવું પડે, જે કાંઇ સૂચન થાય તે ગ્રહણ કરી લેવું પડે ! કોઈની પણ સામે થવાની શક્તિ રહી નહોતી. મેં કહ્યું :

‘તમારી પાસે પૂરતો પુરાવો છે ત્યારે હું ના કહીશ તેથી શો લાભ થવાનો છે ?'

‘તો તમે જાણો.'

‘તો પછી માની લેજો કે ગુનો મેં કર્યો છે.'

‘અમારે માની લેવાનું નથી. આ તો તમારે જે કહેવું હોય તે કહેવાનું છે.'

હવે હું આ વાતથી ખરેખર કંટાળી ગયો હતો. હા કહ્યાથી આ પોલીસની સાથે લમણાઝીક કરવી મટી જાય તો મારે હા પણ કહેવી એમ મારા થાકેલા હૃદયને લાગ્યું. મેં જણાવ્યું :

‘હા, ભાઈ ! હા; ગુનો મેં કર્યો છે, હવે મારો ખ્યાલ છોડશો !’

‘તમારે રીતસરનો જવાબ લખાવવો પડશે.'

‘તમને ફાવે તે લખી લો. હું સહી કરીશ.’

‘ગુનાની કબૂલત હોય તો મેજિસ્ટ્રેટ પાસે લઈ જવા પડશે.'

‘તમે કહેશો ત્યાં આવીશ. પછી કાંઈ ?'

‘ડૉક્ટર ! એમને ક્યારે લઈ જઈ શકાશે ?' હિંમતસિંગે ડૉક્ટરને પૂછ્યું.

‘કાલ ઉપર રાખો.' ડૉક્ટરે કહ્યું.

'પણ એ ફરી જશે તો ?'

‘તો હું સાક્ષીમાં છું ને ?’ ડૉક્ટરે કહ્યું.

‘ઉપરાંત જ્યોતીન્દ્રનો પત્તો નથી; એ સંબંધી મુદ્દામાલ કશો હાથ લાગ્યો નથી, છતાં તપાસમાં શક તમારા ઉપર જાય છે. એ વિષે તમારે કાંઈ કહેવું છે ?' હિંમતસિંગે મને પૂછ્યું.

‘એ પણ ગુનો મેં કર્યો છે ભાઈ ! પછી કાંઈ ?'

થોડી વાર રહીને ડૉક્ટર તથા હિંમતસિંગ ચાલ્યા ગયા; હું એકલો