પૃષ્ઠ:Bansari.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આપઘાત:૧૦૫
 

પડ્યો. અશક્તિ અને વિચારની પ્રબળતાને લીધે મારા મન ઉપર સખ્ત ભારણ થઈ ગયું. હું આંખો મીંચીને પડી રહ્યો. મારી મીંચેલી આંખ આગળ કંઈકંઈ વિચિત્ર દૃશ્ય પ્રગટ થવા માંડ્યા. મેં બંસરીને જોઈ, જ્યોતીન્દ્રને જોયો, કર્મયોગીને પણ જોયો. એ બધાં સાથે મેં વાતો પણ કરી. બંસરીએ તેમ જ જ્યોતીન્દ્રે પોતાનું ખૂન કરવા માટે મને ઠપકો દીધો. લાચાર બની મેં રડવા માંડ્યું. મને રડતો જોઈ સુધાકરે હાસ્ય કર્યું. તેનું હાસ્ય જોઈ હું મારું ભાન ભૂલી ગયો. મને ઝનૂન ચડી આવ્યું. મેં સુધાકરને કહ્યું :

'મેં મારાં વહાલામાં વહાલાં માણસોનાં ખૂન કર્યા છે એ તું જાણે છે ?'

‘કર્યા કર્યા તે ખૂન હવે !’ તિરસ્કારથી હસી સુધાકરે કહ્યું.

‘પૂછ આ બંને જણને.' મેં બંસરી તથા જ્યોતીન્દ્ર તરફ આંગળી બતાવી કહ્યું. બંને જણે ગંભીરતાથી હા કહી. સુધાકરે અત્યંત ગર્વથી મને પૂછ્યું :

‘એમને પુછાવીને તું શું કહેવા માગે છે ?’

‘હું ગમે તે વખતે તારું ખૂન પણ કરી બેસીશ.’

‘આ બંનેના જેવો મને ના ધારીશ. મને મારતા પહેલાં તું જ ઠેકાણે થઇ જઇશ.'

મેં એકદમ ધસીને સુધાકરનું ગળું પકડ્યું. એવામાં હિંમતસિંગ તથા ડૉક્ટર બંને દોડતા આવી પહોંચ્યા. હિંમતસિંગે કહ્યું :

‘અરે, આ ગાંડો માણસ કેટલાં ખૂન કરશે ? એને મજબૂત બેડીએ બાંધી રાખો.'

ડૉક્ટરે સંમતિ દર્શાવી.

સુધાકરનું ગળું ખૂબ દબાવી, તેને જમીન ઉપર પટકી હું હિંમતસિંગ સામે દોડ્યો. ડૉક્ટર વચમાં પડ્યા અને ધમકાવવા લાગ્યા :

‘તમારા જેવા દર્દીએ ડૉક્ટરના કહ્યામાં રહેવું જોઈએ.’

‘હવે જોઉ છું તું મારી દવા કેવી રીતે કરે છે તે !’ એમ કહી મેં રિવોલ્વર ફોડી અને ડૉક્ટર નીચ પડ્યા. તેમની છાતીમાંથી રુધિર વહેવા લાગ્યું. જાણે કોઈ કર્તવ્ય કર્મ બજાવ્યું હોય એવો મને આનંદ થયો. ખૂન કરવાની લાલસા એકદમ વધી ગઈ અને પાછે પગે નાસતા હિંમતસિંગના વાંસામાં મેં રિવોલ્વરના ત્રણ ચાર પ્રહાર કર્યા. હિંમતસિંગ જમીન ઉપર ઢળી પડ્યો. હું સંતુષ્ટનીને મારા કાર્યનું પરિણામ આનંદથી નિહાળતો હતો. જરા રહી હું બોલી ઊઠ્યો :