પૃષ્ઠ:Bansari.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦: બંસરી
 


‘હું કોણ છું. એ પછી કહીશ. અને જોખમ વેઠવાનું કારણ હશે માટે જ અહીં આવી હોઈશ. માટે વાર ન કરશો.'

‘વાર ન કરું ? કેટલા વાગ્યા છે?' મેં પૂછ્યું.

'રાતના બાર વાગ્યા છે.'

'ઓહો ! હું આખો દિવસ બેભાન રહ્યો ?’

‘હા, હું પાસે જ હતી.'

‘મારી પાસે તો કોઈ નહોતું. હિંમતસિંગ અને ડૉક્ટર હતા.'

‘તમે જેટલી વાર કરો છો એટલું તમને જ નડવાનું છે.'

‘અરે પણ હું જાઉ શી રીતે ? આ તો કેદખાનું છે; એકલું દવાખાનું ન હોય.'

'તેનો મેં રસ્તો કર્યો છે.'

'શો?'

‘હું બબ્બે કપડાં પહેરી લાવી છું. તેમાંથી એક પહેરી લો અને રાતનો લાભ લઈ ચાલ્યા જાઓ.'

'એટલે કે હું સ્ત્રીનો પોશાક પહેરું ? શા માટે નહિ ? મને જરા હસવું આવ્યું, અને જૂના વખતનાં રજવાડાંઓનાં કારસ્તાનો યાદ આવ્યાં. હું કોઈ રાજવંશી નહોતો, તેમ નહોતો હું કોઈ ધનાઢ્ય અગર દેશસેવાની ઝબકભર્યો રાજસત્તાનો ભોગ થઈ પડેલો દેશસેવક. ત્યારે શા માટે આ સ્ત્રી મને આવી સૂચના કરે છે ?'

'પણ મને ઓળખ્યા વગર કોઈ રહેશે ?'

'તમને કોઈ ઓળખશે નહિ. તમારું મુખ કુમળું છે, અને અને...તમને મૂછો નથી એટલે કશી હરકત નહિ પડે.'

આ સ્ત્રીની નિર્દોષ અને સમજપૂર્વક નહિ થયેલી રમૂજનો વિચાર કરી મને ખરેખર હસવું આવ્યું. અતિશય વર્તમાનપણાની છટાથી અંજાઈ હું મૂછ રાખતો નહોતો, એ પરિસ્થિતિનો ઉપયોગ સ્ત્રીનાં કપડાં પહેરી, સ્ત્રી તરીકે ઓળખાવવામાં થશે એમ મને સ્વપ્ને પણ ખ્યાલ આવ્યો નહોતો. એ સંબંધમાં જ્યોતીન્દ્રે એક વખત મારી મશ્કરી કરેલી તે મને યાદ આવી. તેણે કહ્યું :

'તું મૂછો નથી રાખતો એ હમણાં તો ઠીક છે, પરંતુ ભવિષ્યમાં તારે નીચું જોવું પડશે.'

'શા માટે ?’

'મૂછ ન હોવાથી અનેક વિચિત્ર પ્રસંગો ઊભા થાય છે. મારા એક