પૃષ્ઠ:Bansari.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪: બંસરી
 


‘સુરેશભાઈ ભલે અહીં રહ્યા. તમને તો ઉતાવળથી બોલાવ્યા છે માટે જવાનું કહું છું.’ વ્રજમંગળાએ કહ્યું.

‘સુરેશ ! તારા તરફ પક્ષપાત લાગે છે. ભલે ત્યારે તું અહીં બેસ, હું જઈ આવું.’

'ના ના. મારે તારું ખાસ કામ છે, એક વાત કરવાની છે.' મેં કહ્યું. 'ત્યારે મારી સાથે ચાલ. રસ્તામાં વાત કરીશું. આજે એક વાતે પૂરું થાય એમ લાગતું નથી.' જ્યોતીન્દ્રે અર્થભર્યું વાક્ય ઉચ્ચાર્યું.

તેની પત્નીના કહેવા છતાં તેણે પોશાક બદલ્યો નહિ અને માત્ર ધોતિયું, પહેરણ અને ચંપલ એટલું જ પહેરી, મને સાથે લઈ, તે નીચે ઊતર્યો. જ્યોતીન્દ્રની મોટર નીચે ઊભી હતી. તેમાં બેસતાં બેસતાં મેં ધીમેથી કહ્યું :

'જ્યોતિ ! બંસરીનું ખૂન થયું !’

'હં.'

મેં કહેલી હકીકત માત્ર સાંભળ્યાનો ઉદ્દગાર તેણે કાઢ્યો.

'તને ખબર છે ?' જરા આશ્વય પામીને મેં પૂછ્યું.

'હા.' જ્યોતિ ગંભીર થઈ ગયો હતો. તેના ટૂંકા એકાક્ષર ઉત્તરો તેની વિચારમય સ્થિતિનું દર્શન કરાવતા હતા.

'તને કોણે કહ્યું ?' મેં પૂછ્યું.

‘અત્યારે તો કમિશનરે.'

‘એટલે અત્યાર પહેલાંની પણ તને ખબર છે કે શું ?' અજાયબીમાં એને પૂછ્યું. તેણે મારા સામું જોયું અને જવાબ દેવાને બદલે મને સામું પૂછ્યું;

‘તું બંગલે જઈ આવ્યો ?’

‘મને ત્યાં પેસવા કોણ દે ? વળી તને એમ નથી લાગતું કે મારાથી બંસરીના શબને જોવાય કેમ ?’ બંસરીના શબની કલ્પના મારા મગજમાં ખડી થઈ, હું ધ્રૂજી ઊઠ્યો અને મારી આંખે મેં મારા હાથ દાબી દીધા.

જ્યોતીન્દ્ર કાંઈ બોલ્યો નહિ. હું પણ મારા દુઃખમાં એવો ગરક થઈ ગયો હતો કે મારી વાચા બંધ થઈ. ઝડપથી દોડતી મોટરે જોતજોતામાં અમને પોલીસ કમિશનરને બંગલે પહોંચાડી દીધા.

અમારા સરખા સાદા માણસોને આ દમામદાર યુરોપિયન ઢબના બંગલામાં પ્રવેશ કેમ મળી શકે ? હું તે વિચારમાં હતો, પરંતુ જ્યોતિ તો સાથે મને લઈ ઝડપે બંગલામાં દાખલ થયો. કમિશનર સાહેબના શણગારેલા દીવાનખાનામાં પ્રવેશ કરતાં જ એક યુરોપિયન સાર્જન્ટે