પૃષ્ઠ:Bansari.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬: બંસરી
 


‘મરવાજીવવાની સલાહ હું બીજાઓ પાસેથી માગતો નથી.’

‘ઠીક.' અત્યંત સ્થિરતાથી એ મુખમાંથી ઉચ્ચાર નીકળ્યો : ‘એનો અર્થ જ કે તને મરવું ગમતું નથી. એ જ સ્વાભાવિક છે.'

‘મારી જિંદગી વિષે પંચાત કરવાનું તારે શું કારણ ?’ મેં તેની સ્થિરતાથી ઉશ્કેરાઈ પૂછ્યું.

‘એનું કારણ એટલું જ કે તારી જિંદગી મારા હાથમાં છે.’

'તો પછી તને ફાવે તે કર. મને પૂછે છે શા માટે ?’

'હું જેને તેને પૂછીને જ મારું છું અગર જિવાડું છું. હું પીઠ પાછળ ઘા કરતો નથી.'

‘આવો ઉદાર તું કોણ છો ?’

‘હું કર્મયોગી છું; તેં મને ઓળખ્યો છે.’

‘મારે જીવવું છે એમ હું કહું તેથી તું મને કેવી રીતે જિવાડશે ?’

‘એ પૂછવાની તારે જરૂર નથી. તારે જીવવું હોય તો આ કાગળ ઉપર વગરવાંચ્યે સહી કરી આપ. મારો - યોગીનો કૉલ છે કે તું જીવીશ.’

'બંસરી ક્યાં છે?' મેં એકાએક પૂછ્યું.

‘એ પૂછવાનું તું અત્યારથી મૂકી જ દે. એનું તો ખૂન થયું છે.’

'મેં એ ખૂન કર્યું નથી.’

'આ કાગળ ઉપર સહી કર એટલે ખૂન તે કર્યું નથી એવું સાબિત થશે.'

'અને સહી ન કરું તો ?'

'તારે માથે આરોપ છે તે પુરવાર થશે.'

'બંસરીનું ખૂન કોણે કર્યું ?’

'આ કાગળ ઉપર સહી કરે તો તેં નહિ.’

‘લાવો કાગળ.' મેં કહ્યું.

કાળા ટુકડામાંથી એક ઊજળો હાથ બહાર નીકળ્યો. હાથમાં એક ગોળ ભૂંગળા જેવો વાળેલો કાગળ હતો. તેણે મારા હાથમાં કાગળ મૂક્યો. તેણે બીજી વખત હાથ આગળ ધરી મને એક પેન આપી પરંતુ મારે કાંઈ લખવાનો વિચાર હતો જ નહિ એટલું જ નહિ, પણ કાગળ એક વખત મારા હાથમાં આવે તે પછી તેને પાછો આપવાનો પણ વિચાર નહોતો.

મેં આછા પ્રકાશમાં કાગળ વાંચવાની શરૂઆત કરી. તરત કર્મયોગીએ કાગળ પકડ્યો અને મને જણાવ્યું :