પૃષ્ઠ:Bansari.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કેસના ખબર : ૧૧૭
 


‘વાંચ્યા વગર જ સહી કરવાની છે, કાગળ વાંચવો હોય તો પાછો લાવ.'

બીજે હાથે બળ કરી મેં તેનો હાથ કાગળ ઉપરથી છોડાવી નાખ્યો અને હું બૂમ મારી ઊઠ્યો :

'હરામખોર ! ખોટી સહી લઈ જવી છે અને બીજાઓને ડરાવવા છે, કેમ ? કાગળ નહિ મળે.'

કર્મયોગી હસ્યો અને જરા પાછો ખરો. જરા રહીને તે બોલ્યો :

‘બેવકૂફ ! તારું આવી બન્યું છે; તું બચવાનો નથી.’

હું ઘણા જ ક્રોધમાં આવી ગયો. નિર્બળ શરીર છતાં હું આગળ ધસ્યો અને કર્મયોગીને પકડવા મેં હાથ લંબાવ્યો. ખાલી અંધકારમાં મારો હાથ નિરર્થક પડ્યો. અંધકારનો ટુકડો પાસેના એક અંધકારમાં સમાઈ ગયો. હું પાછળ પડ્યો, પરંતુ અંધકારમાં બાથોડિયા માર્યા સિવાય હું કાંઈ જ કરી શક્યો નહિ. હું પાછો ફરતો હતો, અને કાગળ મારા હાથમાં રહ્યો હતો કે નહિ તેની ખાતરી કરતો હતો. કાગળ મારા હાથમાં જ હતો. હું ખુશ થયો. કર્મયોગીએ લુચ્ચાઈ કરી મને ભય આપી ગમે તે કાગળ ઉપર સહી કરવા લલચાવવાનો પ્રયત્ન કર્યો એ નિષ્ફળ ગયો, અને તેને આ કાગળ દ્વારા હું ખુલ્લો પાડી શકીશ એ વિચારે મારા મુખને જરા હસતું બનાવ્યું. હું મારા ઓરડામાં દાખલ થવા ગયો એટલામાં કર્મયોગીને હસતો સાંભળ્યો. હું ઊભો રહ્યો અને ચારે પાસ જોવા લાગ્યો. કોઈ હતું નહિ, છતાં એક અવાજ આવ્યો :

‘એ જ કાગળ તને મારશે.'

આશ્ચર્યથી મેં ફરીને ચારે બાજુએ જોયું. કર્મયોગી અગર બીજું કોઈ દેખાયું નહિ. પરંતુ ચાર-પાંચ સિપાઈઓ દોડતા આવતા અંધારામાં દેખાયા.

‘પકડો ! પકડો !’ એવી બૂમ તેમાંથી એક જણે પાડી.

કોને પકડવા માટે આ બૂમ પડી તેનો હું વિચાર કરતો હતો. કર્મયોગી પકડાય તો ઘણું સારું એવો વિચાર કરી તેના વિષે પૂરી બાતમી આપવા હું બારણા આગળ ઊભો રહ્યો. પરંતુ સિપાઈઓ મારા તરફ ધસી આવ્યા અને મને ઝાલી લીધો.

‘કેમ ? ક્યાં નાસતા હતા ?’

‘હું તો કાંઈ નાસતો ન હતો, મારા બારણા આગળ જ ઊભો છું.' મેં જવાબ આપ્યો.