પૃષ્ઠ:Bansari.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮: બંસરી
 

‘દૂરથી અમને જોઈ તમે અંદર ચાલ્યા આવ્યા. બાકી તમે તો આગળ વધી જ ગયા હતા. શા માટે ખોટું બોલો છો ?'

'હું ખોટું બોલતો જ નથી. હું કદી નાઠો જ નથી.'

'તમારા હાથમાં શું છે?'

'કાગળ છે. તમને આપવાનો છે.'

'નહિ આપો તો જશો ક્યાં ?’ સિપાઈએ જણાવ્યું. ‘અમને બાતમી મળી કે તમારા મળતિયા સાથે તમે કાંઈ દસ્તાવેજ લઈ નાસી જાઓ છો, એટલે આ ખરી રીતે અમારે દોડતા આવવું પડ્યું.’

મારી પાસેથી તેણે કાગળ લઈ લીધો. કાગળમાં શું હતું તે પણ મને વાંચવા મળ્યું નહિ.

'હવે આવા કેદીઓનો જલદી નિકાલ થાય તો સારું.' મને અંદર દાખલ કરી એક સિપાઈ બોલ્યો.

'આવા ભણેલા કેદીઓ જ ભારે પડે છે. ભીલકોળી બહુ સારા!' બીજાએ કહ્યું.

'હવે કાલથી કેસ ચાલશે એટલે નિરાંત.' ત્રીજાએ જણાવ્યું.

એટલે હવે મારા વિરુદ્ધ કેસ ચાલશે એવા ખબર સાથે હું આડો પડ્યો.