પૃષ્ઠ:Bansari.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦: બંસરી
 

અટપટી વસ્તુ બની જાય છે, એવી મારી પોતાની દૃઢ માન્યતા થઈ.

વકીલ રાખીને ન્યાય મેળવવાથી નૈતિક જીવનની કઈ બાજુએ ઉજાસ પડે છે, તેની વકીલાત અને ન્યાયની ફિલસૂફી વાંચ્યા છતાં - હજી મને સમજ પડતી નથી.

મારા વિરુદ્ધ સાક્ષીઓનું એક મોટું લશ્કર ઊભું કરવામાં આવ્યું હતું. મેં ખૂન કર્યું છે એમ નજરે જોનાર તો કોઈ હતું નહિ. મુકુંદપ્રસાદ, તેમનાં પત્ની કુંજલતા, શંકર નોકર, પોલીસના માણસો, પંચના માણસો, મેજિસ્ટ્રેટ અને હિંમતસિંગ તથા ડૉક્ટર એ મુદ્દાના સાહેદો હતા. ખૂન થતા પહેલાં કુંજલતાએ તેમ જ શંકરે બંસરીને મારું નામ દઈ બૂમ પાડતી સાંભળી હતી. શંકરે તો મને એટલામાં જોયો પણ હતો - ખૂન કરતાં નહિ. લોહીવાળી જાજમ, છરી અને મારો જ નક્કી પુરવાર થયેલો રૂમાલ; મારો કાગળ, મારા અક્ષરો અને તેમાંથી રહેલા ટુકડાઓમાં વંચાતાં એક ખૂની ઓળખાવનારા જલ્લાદ, તલવાર, ખૂની, ખતમ, ખંજર વગેરે શબ્દો, મારી ખૂન પછીની ગૂઢ પ્રવૃત્તિઓ; શિવનાથ - જે ગૃહસ્થ પુરાવામાં પોતાને જુદા જ માણસ તરીકે ઓળખાવી એ ખરા શિવનાથ ન હોવાની મારી શંકાને સાચી પાડી હતી - ને મારેલી ગોળી, જ્યોતીન્દ્રની સામે તાકેલી રિવોલ્વર, અને ઝાડ ઉપર ટીંગાઈ રિવોલ્વર તાકી કોઈ અજાણ્યા મકાનમાં ખૂન કરવાનો મારો પ્રયત્ન એટલું જ નહિ પણ દવાખાનામાંથી નાસી જવાની મારી પકડાઈ ગયેલી તદબીર : આ સર્વ પ્રસંગો હું ખૂની છું એમ સાબિત કરવા માટે પૂરતા હતા. નવીનચંદ્ર વકીલની કુનેહ ઉપર હું આફરીન થઈ ગયો. તેઓ એવા પ્રશ્ન પૂછતા હતા કે સાક્ષીને મારા વિરુદ્ધ અનુમાન થાય એવા જ જવાબો આપવાની ફરજ પડતી. જુબાની આપતાં કુંજલતા અનેક વખત રડી પડતી અને વારંવાર વગર પૂછ્યે કહ્યા કરતી : ‘સુરેશભાઈએ ખૂન કર્યું છે એમ હું માનતી નથી.’

‘વિદ્વાન મિત્ર’ નવીનચંદ્ર એ જવાબ સાંભળી જરા હસતા અને કહેતા : 'તમે શું માનો છો એ હું પૂછતો જ નથી. માનવા ન માનવાની વાત નામદાર કૉર્ટ ઉપર છોડો, હું તો માત્ર હકીકત માગું છું.’

મારા વકીલ દિવ્યકાન્તે પણ ઓછી મહેનત લીધી હતી એમ કહેવાય નહિ. જેવી નવીનચંદ્રે મને ખૂન કરતાં જોયો નહોતો છતાં જાણે હું ખૂની છું એમ પુરવાર કરવા બધી તજવીજ કરી, તે જ પ્રમાણે દિવ્યકાન્તે હું ખૂની છું કે નહિ તેની ખાતરી કરવા કરતાં હું ખૂની નથી એમ માનવા અને મનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેઓ ઊલટતપાસ કરતા તેમાં બે-ત્રણ મહત્વની બાબતો સાક્ષીઓ પાસેથી કઢાવતા :