પૃષ્ઠ:Bansari.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪:બંસરી
 


‘મારા વિદ્વાન મિત્રનો આ પ્રશ્ન નામદાર કૉર્ટે નામંજૂર કરવો જોઈએ. બીજા કેસોમાં શું બન્યું છે અને શું નહિ તેને આ મુકદમા સાથે સંબંધ નથી.’

‘મારા યુવાન મિત્રને હજી ફોજદારી કામોના અનુભવની શરૂઆત છે માટે તેઓ આવો વાંધો લે છે. નામદાર કૉર્ટની તો ખાતરી જ થઈ ગયેલી છે કે આ પ્રશ્ન બહુ મહત્વનો અને કામને લાગુ પડતો છે. નવીનચંન્દ્રે બેદરકારીથી કહ્યું.

‘આવા પ્રશ્નનું લાગુપણું સમજવા માટે ફોજદારી કામોમાં આખી જિંદગી બગાડવાની જરૂર હોય એમ હું મારા માનવંત મિત્રની માફક માનતો નથી. આવા પ્રશ્નો પૂછવા દેવા એ નિર્દોષ માણસને ફાંસીએ લટકાવવા માટે બસ છે !’ મારા વકીલ દિવ્યકાન્ત નવીનચંદ્રની ટીકાનો જવાબ આપતાં જણાવ્યું.

‘મારા વિદ્વાન મિત્રો'ની ઝપટનો વિચાર કરવા નામદાર કૉર્ટે આંખ મીંચી અને ઉચ્ચાર કર્યો :

‘કેસને લગતી જ હકીકત પૂછવી જોઈએ. આપણે ખૂનની ફિલસૂફી ચર્ચવા બેઠા નથી.’

નવીનચંદ્રનો પ્રશ્ન નામંજૂર થયો. કોર્ટનું વલણ દિવ્યકાન્ત તરફ હતું એ વાત સૂચવવા અનુભવી નવીનચંદ્રે ગુસ્સાનો દેખાવ કર્યો, અને ગર્જના સરખા અવાજથી કૉર્ટને બિવડાવવા તેમણે કથન કર્યું :

‘નામદાર ન્યાયમૂર્તિને મારી વિનતિ છે કે લાગણીને આવા કામે બિલકુલ અવકાશ નથી એવો દેખાવ થવો જોઈએ. એક યુવાન ભણેલા પુરુષની જિંદગીનો એક બાજુએ સવાલ છે, અને તેને લીધે લાગણી દુભાય એ સહજ છે - મારી પણ લાગણી દુભાય છે; છતાં બીજી પાસ એક નિર્દોષ યુવતીના કમકમાટભર્યા ખૂનની - સમાજના હિતમાં - સમાજની આવી અનેક નિર્દોષ યુવતીઓના સંરક્ષણ અર્થે શિક્ષા કરવાનો સવાલ છે, એ પણ ભૂલવું ન જોઈએ.’

દિવ્યકાન્ત જવાબ આપવા ઊભા થયા, પરંતુ ન્યાયાધીશે હાથ હલાવી તેમને બેસાડી દીધા. ન્યાયાધીશના મુખ ઉપર ગુસ્સો દેખાયો. રંગવિહીન આકાશ પણ કદી લાલ-લીલું દેખાય છે. કોઈ પણ રંગથી અલિપ્ત રહેવાને માટે બંધાયલા ન્યાયાધીશના સંયમભર્યા મુખ ઉપર ગુસ્સો દેખાઈ આવ્યો. તેઓ બોલી ઊઠ્યા :

‘મિ. નવીનચન્દ્ર ! શું તમે એમ કહેવા માગો છો કે હું પક્ષપાત અગર વલણ બતાવું છું ?’