પૃષ્ઠ:Bansari.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુકદ્દમાની વધુ વિગતો:૧૨૫
 


પોતાને જે કહેવું હોય તે બહુ બહુ સ્પષ્ટતાથી સૂચવ્યા છતાં દોષમુક્ત રહેવાનું વકીલોને સારી રીતે આવડે છે. નવીનચંદ્રે કહ્યું :

‘મી લૉર્ડ ! મારા શબ્દો આપ યાદ કરશો તો આપને ખાતરી થશે કે હું પક્ષપાત અગર વલણ સંબંધી એક અક્ષર પણ બોલ્યો નથી.’

‘બોલ્યા નથી પણ સૂચવ્યું છે.'

‘મારા શબ્દોનો એવો અર્થ થઈ શકે જ નહિ. અને છતાં આપ નામદારને તેવું લાગ્યું હોય તો હું બહુ દિલગીરી છું. આપ નામદારના નિષ્પક્ષપાત વલણની મને પૂરી ખાતરી છે, અને જાહેર અદાલતમાં તેવી ખાતરી હું વ્યક્ત કરું છું.’

‘આગળ ચાલો.' અપાયલી ખાતરી ગ્રાહ્ય કરી કૉર્ટે ફરમાન કર્યું.

જાણે કાંઈ બન્યું ન હોય તેમ નવીનચન્દ્ર હિંમતસિંગની તપાસ આગળ ચલાવી.

'મિ. હિંમતસિંગ ! મારો પ્રથમ પ્રશ્ર ભૂલી જાઓ. તમે તારીખ.....ની રાતે જ્યોતિન્દ્રની સાથેના ખાલી બંગલામાં હતા તે પ્રસંગ તમે યાદ કરી જાઓ.'

‘મને બરાબર યાદ છે.' હિંમતસિંગે કહ્યું.

‘એ બંગલામાં કોઈને ગોળી વાગ્યાનું તમને યાદ છે ?'

'હા.'

‘હું તમારા સમક્ષ દસ માણસોને ઊભા રાખું છું. તેમાંથી કોને ગોળી વાગી. તે તમે કહી શકશો ?’

કૉર્ટની અંદર દસ માણસોને લાવવામાં આવ્યા. હિંમતસિંગે તેમને જોઈ લીધા. નવીનચન્દ્રે પૂછ્યું :

‘બને તેટલી ખાતરી કરી લો અને પછી કહો કે કયા માણસને ગોળી વાગી હતી ?’

હિંમતસિંગે કહ્યું :

‘કોર્ટની બાજુએથી ગણતાં સાતમા માણસને.’

'બરાબર. તે વખતે ઓરડામાં કોણ હતું ?’

જે માણસને ઓળખ્યો તે મને શિવનાથ જેવો લાગ્યો. શું શિવનાથનું નામ દઈ એ માણસે મને છેતર્યો હતો ? રસ્તે જતા ગમે તે એક માણસને મેં શિવનાથ તરીકે કેમ માની લીધો ? પરંતુ એ ભૂલ થવાને પૂરતાં કારણો શું નહોતાં ? તેની વાતચીત, તેનો ભભકો, મોટર - એ બધું ગમે તેવા માણસને પણ ભુલાવામાં નાખવા માટે શું પૂરતું નહોતું ?